Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સુંજવાન-શ્રીનગર એટેક બાદ મિટિંગનો દોર : નીતિ પર ચર્ચા

નિર્મલા સીતારામન જમ્મુમાં સમીક્ષા માટે પહોંચ્યા : રાજનાથની પણ આંતરિક સુરક્ષાને લઇને અતિમહત્વપૂર્ણ બેઠક : વર્ષ ૨૦૧૮માં હજુ સુધી ૧૮ જવાન શહીદ થયા

નવી દિલ્હી,તા. ૧૨ : સુંજવાન આર્મી કેમ્પ અને ત્યારબાદ આજે શ્રીનગરના કરણનગર બીએસએફ હેડક્વાર્ટરમાં હુમલો કરવાના ત્રાસવાદીઓના પ્રયાસથી દેશ હચમચી ઉઠ્યું છે. મોદી સરકાર પણ હચમચી ઉઠી છે. આના ભાગરુપે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન જમ્મુ માટે આજે રવાના થઇ ગયા હતા. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ દેશની આંતરિક સુરક્ષાને લઇને મહત્વપૂર્ણ બેઠક કરીને માહિતી મેળવી ચુક્યા છે. રાજનાથસિંહે આજે સાંજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આંતરિક સુરક્ષાને લઇને નિર્મલા સીતારામન અને રાજનાથસિંહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ૨૦૧૬માં ઉરીમાં આર્મી કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ સૈન્ય સ્થળો ઉપર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આજ હુમલાના ભાગરુપે સુંજવાનમાં હુમલો કરાયો છે. આ વર્ષે હજુ સુધી ૧૮ જવાન દેશની સુરક્ષાના ભાગરુપે શહીદ થઇ ચુક્યા છે. પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને હુમલા કરવામાં આવી રહ્યા છે. રવિવારના દિવસે સુંજવાન કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્લિનિંગ ઓપરેશન જારી છે ત્યારે ત્રાસવાદીઓએ આજે સીઆરપીએફ કેમ્પ ઉપર હુમલો કર્યો હતો. સેના અને આતંકવાદીઓ વચ્ચે જારી અથડામણમાં એક જવાન શહીદ થઇ ચુક્યો છે. શ્રીનગરના કરણનગરમાં સીઆરપીએફ જવાનો એક ઇમારતને ઘેરી લીધી હતી. સુંજવાન આર્મી કેમ્પ ઉપર કરાયેલા ભીષણ ત્રાસવાદી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા અને એક નાગરિકનું પણ મોત થયું હતું જ્યારે બીએસએફ કેમ્પમાં કરાયેલા હુમલામાં એક જવાન શહીદ થયો છે.

(7:54 pm IST)