Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

નાની અમથી વાતમાં દલિત યુવકને ઢોર માર મારી પતાવી દેવાયો

ઉત્તર પ્રદેશની ઘટના : ઇંટો અને પાઇપોથી હુમલો

અલ્હાબાદ તા. ૧૨ : ૨૬ વર્ષના એક દલિત વિદ્યાર્થીની કેટલાક સ્ટૂડન્ટ્સે કરપીણ હત્યા કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુપીના અલ્હાબાદમાં બનેલા આ કિસ્સાાં રવિવારે આ દલિત લો સ્ટૂડન્ટ પર ઈંટો અને સળીયા તેમજ પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત નીપજયં હતું.

પોલીસે આ મામલે છ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, અને સીસીટીવીના આધારે મુન્ના ચૌહાણ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મૃતક દલિત વિદ્યાર્થીની ઓળખ દિલિપ સરોજ તરીકે કરવામાં આવી છે. દિલિપ અલ્હાબાદ ડિગ્રી કોલેજમાંથી એલએલબી કરી રહ્યો હતો, અને આ જ શહેરમાં ભાડાનો રૂમ રાખીને રહેતો હતો.

શુક્રવારે રાત્રે દિલિપના મિત્ર સમીરે એક રેસ્ટોરાંમાં નવી બાઈક લેવાની ખુશીમાં પાર્ટી આપી હતી. જેમાં દિલિપ, સમીર તેમજ અન્ય બે લોકો રેસ્ટોરાંમાં જમવા પહોંચ્યા હતા. આ ચારેય લોકો સીડી પર વેઈટિંગમાં બેઠા હતા ત્યારે વિજય શંકર સિંહ અને તેના દોસ્તો એ જ રેસ્ટોરાંમાં જમવા આવ્યા હતા.

તેઓ સીડી ચઢી રહ્યા હતા ત્યારે વિજય સિંહનો પગ દિલિપને કથિત રીતે અડી ગયો હતો, અને તેનો તેણે વાંધો લીધો હતો. જોકે, નાની એવી તકરારમાંથી શરૂ થયેલા આ ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, અને બંને જૂથના લોકોએ એકબીજા સાથે મારામારી કરવાનું અને ખુરશીઓ ઉછાળવાનું શરૂ કર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, તેવામાં એક ખુરશી મુન્ના ચૌહાણ નનામના વેઈટરને વાગી હતી, અને મુન્નાએ દિલિપને સળિયાથી માર માર્યો હતો. ઘટનાની તપાસ કરી રહેલા કર્નલગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ અવદેશ પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફુટેજમાં દેખાય છે કે તેમણે દિલિપને ઢોર માર્યો હતો, તે ભાગવા પણ ગયો હતો પરંતુ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો, તેમ છતાંય આરોપીઓ તેને સળિયા અને ઈંટો વડે મારતા રહ્યા હતા.

જયારે હુમલાખોરો નાસી ગયા ત્યારે રેસ્ટોરાંના માલિકે અન્ય લોકોની મદદથી દિલિપને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, ત્યાંથી તેને બીજી હોસ્પિટલમાં મોલાયો હતો. જોકે, ડોકટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. શનિવારે દિલિપના ભાઈએ તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જયાં તેનું મોત થયું હતું. આ મામલે અલ્હાબાદના SSPએ ફરજચૂક બદલ ત્રણ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કર્યાના અહેવાલ છે.

(4:05 pm IST)