Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સેકંડો દૂર હતું મોત અને મહિલા પાયલોટની સતર્કતાએ બચાવી જિંદગીઓ

મહિલા પાયલોટ ઉડાવી રહી હતી વિમાનઃ બે વિમાન સામ-સામે આવી ગયા

નવી દિલ્હી તા. ૧૨ : ગત બુધવારે મુંબઇ પાસે એર ઇન્ડિયા અને વિસ્તારા એરલાઇન્સની ફલાઇટ એકબીજાની નજીક આવી ગઇ હતી. આ સમયે ફલાઇટમાં ૨૬૧ પ્રવાસીઓ સવાર હતા. ટ્રાફિક એર કન્ટ્રોલરના કન્ફયુઝનને કારણે આ ઘટના બની હતી. બંને ફલાઇટ મહિલા પાયલટ દ્વારા ઉડાવવામાં આવી રહી હતી.

એર ઇન્ડિયાની ફલાઇટ A-319એ ભોપાલ જવા માટે મુંબઇથી ઉડાન ભરી હતી અને વિસ્તારા A-320 અને UK 997 દિલ્હીથી પૂણે જઇ રહી હતી.

વિસ્તારા અને એર ઇન્ડિયાની ફલાઇટ અમુક સેકંડ્સના અંતરે જ હતી. વિસ્તારા એરબસ ૨૯૦૦૦ ફૂટના લેવલેથી ૨૭૧૦૦ ફૂટના લેવલ પર ઉતરી રહ્યું હતું તે સમયે જ સામેથી એર ઇન્ડિયાની એરબસ આવી પહોંચી હતી. એર ટ્રાફિક કંટ્રોલ અને વિસ્તારા કોકપીટ વચ્ચે ગેરસમજ થઇ હતી. આ સમયે કેપ્ટન ટોઇલેટ બ્રેક પર ગયા હતા, જેથી મહિલા કો-પાયલોટ ફલાઇટને ઉડાવી રહી હતી.

દરમિયાન એર ઇન્ડિયા ફલાઇટના મહિલા કમાન્ડર કેપ્ટનઅનુપમા કોહલીની સતર્કતાએ અકસ્માત થતાં બચાવી લીધો. સુત્રો મુજબ બંને ફલાઇટને મહિલા ઓપરેટ કરી રહી હોવાથી કોને કઇ માહિતી આપી તે ગેરસમજ થઇ હોય તેવું બની શકે.

૨૦ વર્ષના અનુભવી અને A-319ના સિનિયર કમાન્ડર અનુપમા કોહલીને ૨૬૧ પ્રવાસીઓનો જીવ બચાવવામાં સફળતા મળી. તેણીએ સામેથી વિસ્તારાની એરબસ આવતી જોઇ અને એટીસીનો અવાજ સાંભળ્યો કે 'UK 997 આ લેવલ પર કેમ છો?' ત્યારે વિસ્તારા લેડી પાયલોટે કહ્યું કે 'નહીં, નહીં આ લેવલ પર આવવા માટે તમે મને કહ્યું હતું.' આ સમયે જ કેપ્ટન અનુપમા કોહલીએ વિસ્તારા એરબસને પોતાની ડાબુ બાજુથી પસાર થતું જોયું.

કેપ્ટન અનુપમાની એરબસના કોકપીટમાં રેડ સિગ્નલ મળી ગયું હતું અને તેને ખ્યાલ આવ્યો કે વિસ્તારાની ફલાઇટ અત્યારે જ મારા લેવલ પર ક્રોસ કરી રહી છે. રિઝોલ્યુશન એડવાઇઝરી મુજબ કેપ્ટન કોહલીએ તુરંત ફલાઇટને ૬૦૦ ફૂટના ઉપરી લેવલ પર લઇ લીધું.

આ સમયે વિસ્તારા એરબસના કમાન્ડર ટોઇલેટમાં હતા જેથી લેડી કો-પાયલોટ ફલાઇટ ઉડાવી રહી હતી. નિયમ પ્રમાણે કોકપીટમાં હંમેશા ૨ ક્રૂ મેમ્મબરે રહેવું ફરજિયાત હોય છે જેથી આ સમયે વિસ્તારાની એરહોસ્ટેસ પણ કોકપીટમાં જ હતી.

આ મામલે વિસ્તારા એરલાઇન્સે કંઇ કોમેન્ટ કરી નથી અને તપાસ હાથ ધરવામાં આવી છે.(૨૧.૧૧)

(11:36 am IST)