Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

આવતીકાલે મહાશિવરાત્રિએ સોમનાથમાં પ્રથમવાર

મ્યુઝિક - થેરપીનો વિશેષ કાર્યક્રમ યોજાશે

મહામૃત્યુંજય જાપને કલાકારો દ્વારા અલગ-અલગ રાગોમાં ગાઇને શાંતિનો અહેસાસ કરાવવામાં આવશે : ભાવિકો માટે ૪ર કલાક ખુલ્લુ રહેશે મંદિર

મુંબઇ, તા. ૧ર : દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રિએ આવતી કાલે યાત્રાધામ સોમનાથમાં  સૌપ્રથમ વાર મ્યુઝિક-થેરપીનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં શંકર ભગવાનના મહામૃત્યુંજય જપને કલાકારો દ્વારા અલગ-અલગ રાગોમાં ગાઇને શાંતિનો અહેસાસ ભાવિકોને કરાવવામાં આવશે.

સોમનાથ મંદિર પરિસરમાં આવતી કાલે સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી મહામૃત્યુંજયના મંત્રથી તન-મનની શાંતિનો અલૌકિક અનુભૂતિ સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરતો કાર્યક્રમ સંગીતકાર નયન વૈષ્ણવ તથા સાથીકલાકારો દ્વારા રજૂ થશે. કલાકારો સાત રાગોમાં મહામૃત્યુંજય મંત્રનું ગાન કરશે. આ મ્યુઝિક થેરપીથી ભાવિકોને શાંતિની અનુભૂતિ થશે.  ભાવિકો સમોનાથ ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રિના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યાથી લઇને સતત ૪ર કલાક સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે. આ ઉપરાંત ૧ર અને ૧૩ ફેબ્રુઆરીએ મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવની પાલખીયાત્રા વેરાવળથી સોમનાથ સુધી યોજાશે. હોમાત્મક લઘુરૂદ્ર, જયોતિપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન-આરતી સહિત ધાર્મિક-આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. (૮.૪)

(10:31 am IST)