Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

હેલ્થ સ્કીમ્સની મોટી મોટી જાહેરાતો પરંતુ યોજનાઓનું ફંડ તો કરી નાખ્યું ઓછું!

બજેટમાં વાતો મોટી મોટી પરંતુ આંકડા કહે છે કંઇક બીજુઃ એક યોજનાનું ફંડ બીજા યોજના માટેઃ ૧.૫ લાખ હેલ્થ સેન્ટર અપગ્રેડ કરવાનો દાવો પરંતુ ફંડ કયાંથી?: સરકારી અંદાજ અને ફંડ ફાળવણી બંનેમાં જોવા મળ્યું અસંતુલનઃ એડ્સ જેવી બીમારી પ્રત્યે સરકારનું ઓરમાયુ વલણ

નવી દિલ્હી તા. ૧૨ : નાણાંપ્રધાને જયારે ૧ ફેબ્રુઆરીએ વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ જાહેર કર્યું ત્યારે એવું લાગી રહ્યું હતું કે આ વખતે સરકારે જાહેર આરોગ્ય અને વ્યકિતગત આરોગ્ય પર વધુ ધ્યાન આપ્યું છે. પરંતુ જયારે આ યોજનાઓ વિશે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે ત્યારે કઇંક અલગ જ ચિત્ર દેખાય છે.

હકીકતમાં આરોગ્ય માટે ચાલુ નાણાંકીય વર્ષના રિવાઇઝડ એસ્ટિમેન્ટની સરખામણીએ આ બજેટમાં ખૂબ જ ઓછી રકમ ફાળવાઈ છે. તેટલું જ નહીં કેટલાય બીજા ચાલુ મહત્વપૂર્ણ આરોગ્ય કાર્યક્રમોને ફાળવવામાં આવતી રકમ પણ ઓછી કરી દેવામાં આવી છે. જેમ કે રાષ્ટ્રીય આરોગ્ય મીશન(NHM) માટે બજેટનું ફંડ ગત વર્ષના ૩૧,૨૯૨ કરોડની સરખામણીએ આ વખતે ૨ ટકા ઘટાડીને ૩૦,૬૩૪ કરોડ રુપિયા કરી દેવામાં આવ્યું છે.

બીજુ બધું તો ઠીક પરંતુ બજેટ ભાષણમાં જે ૧.૫ લાખ આરોગ્ય અને કલ્યાણ સેન્ટરોના અપગ્રેડિંગની વાત કરવામાં આવી આવી હી તેના માટે પણ ફાળવવામાં આવેલ રુપિયા ૧૨૦૦ કરોડ હકીકતમાં NHMના એકાઉન્ટમાંથી ફાળવાશે. આમ જો આ રકમને બાદ કરવામાં આવે તો આ વખથે દેશની મુખ્ય આરોગ્ય યોજના NHMના કુલ બજેટમાં ૬% જેટલો ઘટાડો નોંધાયો છે.

જેનો સીધો અર્થ એવો થાય છે કે NHM અંતર્ગત ચાલતા કેટલા કાર્યક્રમોને બંધ કરવામાં આવશે અથવા તેનું ફંડ ઓછુ કરી દેવામાં આવશે. તો બીજી બાજુ ૧.૫ લાખ હેલ્થ સેન્ટરના અપગ્રેડિંગ માાટે ફાળવાયેલ ૧૨૦૦ કરોડ રૂપિયાની રકમ પણ ખૂબ ઓછી હોવાનું ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સમાં હેલ્થ સિસ્ટમ સ્ટડીના ડીન ડાઙ્ખકટર ટી સુંદરરમણે દાવો કર્યો છે.

તેમણે કહ્યું કે, 'સરકારી અંદાજ મુજબ એક આરોગ્ય અને કલ્યાણ સેન્ટર પાછળ ૧૭ લાખ રુપિયાનો ખર્ચ આવે છે તે જ હિસાબે જોવામાં આવે તો ૧૨૦૦ કરોડ રૂપિયામાં તો ફકત ૧૦,૦૦૦ સેન્ટર્સ જ ચાલી શકે છે. આ ૨૦૧૬-૧૭ના બજેટમાં કરવામાં આવેલ વાયદો કે દરેક જીલ્લા હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર સ્થાપવામાં આવશે તેના જેવો છે. જે હજુ સુધી શકય બન્યું નથી.'

તેમજ કેન્દ્રની બીજી મહત્વપૂર્ણ આરોગ્ય યોજના નેશનલ એડ્સ અને જાતીય રોગ નિયંત્રણ છે. જેના માટેના બજેટમાં પણ ૩ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. ગત વર્ષના રિવાઇઝડ બજેટના ૨૧૬૩ કરોડ રુપિયાની સામે આ વખતે ૨૧૦૦ કરોડ જ ફાળવાયા છે. જયારે આપણા દેશમાં ઘણીવાર એડ્સની દવાઓના અપૂરતા જથ્થાની ફરીયાદ સામે આવતી જ રહે છે.

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(PMSSY) અંતર્ગત એમ્સ જેવી હોસ્પિટલ્સનું નિર્માણ અને મેડિકલ કોલેજનું અપગ્રેડેશન કરવામાં આવે છે. જેના બજેટને પણ ૪ ટકા ઘટાડીને ૩૯૭૫ કરોડથી રૂ. ૩૮૨૫ કરોડ કરી દેવામાં આવ્યું છે.

અલબત્ત આ વર્ષના રિવાઇઝડ એસ્ટિમેન્ટમાં આ માટેનું ફંડ ૨૦%થી વધારી દેવામાં આવ્યું છે. જુની એમ્સ હોસ્પિટલ્સમાં અનેક ખામીઓ અને અનેક આધુનિકરણની જરુરિયાત વચ્ચે સરકારે બજેટમાં નવી એમ્સની જાહેરાત કરી છે.(૨૧.૮)

 

(2:44 pm IST)