Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

લોકડાઉનમાં વિવિધ ભારતી બન્યું શ્રોતાઓની પહેલી પસંદઃ એપ પર બે મિલિયનથી વધુ યુઝર્સ

૩ ઓકટોબર ૧૯૫૭માં જેની શરૂઆત થઇ તે વિવિધ ભારતી આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના રૂપમાં ભારતભરમાં પસંદગીની રેડિયો ચેનલ બની ચુકયું છે

નવી દિલ્હી તા. ૧૨: લોકડાઉન વખતે જેમ ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝ અને ફિલ્મો જોનારો વર્ગ વધ્યો તેમ રેડિયો સાંભળનારા શ્રોતાઓની સંખ્યામાં પણ સતત વધારો થયો છે. વિવિધ ભારતી શ્રોતાઓની પહેલી પસંદ બન્યું છે. એક સમયે રેડિયો સાંભળનારા લોકોની સંખ્યામાં ખુબ ઘટાડો થઇ ગયો હતો. પરંતુ લોકડાઉનમાં આ સંખ્યા વધી ગઇ હતી. રેડિયો પર સમાચારની સાથે સાથે મનોરંજનના બીજા કાર્યક્રમો પણ પીરસવામાં આવે છે. વિવિધ ભારતીએ શ્રોતાઓને ધ્યાને રાખી સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી કૂ એપ પર ખાતુ ખોલી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

કૂ એપ પર વિવિધ ભારતી દ્વારા ફિલ્મો ગીતોની સાથો સાથ કલાકારોના ઇન્ટરવ્યું, બીજી જાણકારી લિંક સાથે આપવામાં આવે છે. યુઝર્સ આ પ્રકારની જાણકારીને ખુબ પસંદ કરી રહ્યા છે. તેમજ લાઇક, કોમેન્ટ કરીને યોગદાન પણ આપી રહ્યા છે. કૂ એપ પહેલુ ભારતનું પહેલુ એવું માઇક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની વાતોને પોતાની ભાષાના માધ્યમથી રજૂ કરે છે. આ પ્લેટફોર્મ સાથે હાલમાં બે મિલિયનથી વધુ યુઝર્સ જોડાઇ ગયા છે. વિવિધ ભારતી ભારતમાં સાર્વજનીક ક્ષેત્રની રેડિયો ચેનલ આકાશવાણીની એક પ્રમુખ પ્રસારણ સેવા છે.

ભારતમાં રેડિયોના શ્રોતાઓમાં વિવિધ ભારતી સોૈથી વધુ સંભળાય છે અને સોૈથી વધુ લોકપ્રિય પણ છે. સામાન્ય રીતે અહિ હિન્દી ફિલ્મી ગીતો વધુ પીરસાય છે. વિવિધ ભારતીની શરૂઆત ૩ ઓકટોબર-૧૯૫૭ના રોજ થઇ હતી. વર્ષ ૨૦૦૬-૦૭માં વિવિધ ભારતીને સ્વર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી હતી. પ્રારંભે આનું પ્રસારણ માત્ર મુંબઇ તથા મદ્રાસમાં જ થતું હતું. એ પછી લોકપ્રિયતા વધતાં આકાશવાણીના બીજા કેન્દ્રો પર પ્રસારણ થવા માંડ્યું હતું. વર્તમાન સમયમાં આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના રૂપમાં વિવિધ ભારતીના કાર્યક્રમો રજૂ કરાય છે. જે ભારતના અસંખ્ય શ્રોતાઓની પસંદગીની ચેનલ છે. હવે વિવિધ ભારતી ચેનલ સમગ્ર ભારતમાં પ્રસારીત થાય છે.

(4:13 pm IST)