Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

દેશનો આત્મા એટલે યુવાશકિતઃ સ્વામી વિવેકાનંદજી

ધર્મના તત્વજ્ઞાનને પામ્યા હતા, પ્રજામાં ખુમારી, આત્મવિશ્વાસ, ધર્મપ્રત્યે આસ્થા અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણો વિકસાવી પ્રાણ પૂર્યા હતા

૨૧મી સદીની શરૂઆત સુધીમાં તો માનવજાતે વિજ્ઞાન, ટેકનોલોજી, માહિતી - જ્ઞાન, અવકાશ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને તબીબી ક્ષેત્રે ઘણી આશ્યર્યજનકલ સિધ્ધિઓ મેળવી છે. પરંતુ સાથે સાથે ઘણી વિકરાળ સમસ્યાઓ આપણી સામે પડકાર ફેંકતી ઉભી છે. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રો વિસ્તર્યા છે. પણ માનવીના મન સંકોચાતા જાય છે. ભાવાત્મક એકતા અને વિશ્વબંધુત્વની ભાવના ક્ષીણ થતી દેખાય છે. આંતકવાદ, ત્રાસવાદ, સીમા વિવાદ જેવી સમસયાઓ વિશ્વને શાંતિનો શ્વાસ લેવા દેતી નથી. ધર્માધતાને કારણ પૃથ્વીની સપાટી દરરોજ રકતરજીત બને છે. ક્ષણીક આવેશથી થતા તોફાનો, હિંસક આંદોલનો અને તેના કારણે જાહેર મિલ્કતોને થતું કરોડો - અબજોનું નુકશાન નિર્બળ'અને કચડાયેલા ઉપર થતા અત્યાચારો, નારીઓ ઉપર થતા દુષ્કર્મો વગેરે જોઈને એવું લાગે છે કે મનુષ્ય જાણે મનુષ્યત્વ ભૂલી ગયો છે. ભૌતિક સુખ - સગવડતાઓ વધી છે પણ ભાગદોડ ભરી જીંદગીમાં માનસીક તાણના કારણે માણસો વ્યસની બનતા જાય છે. ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર, એઈડ્સ જેવ ભયંકર બીમારીઓ મોં ફાડીને સામે ઉભી છે. આ સમસ્યાઓના ઉકેલ અને માનવજાતની ઉર્ઘ્વગતિ માટેના જરૂરી ઉપાયો ૧૯મી સદીમાં ભારત વર્ષમાં જન્મેલા રાષ્ટ્રવીર, ત્ધ્ષિ અને મહામાનવ એવા સ્વામી વિવેકાનંદના જીવન સંદેશમાંથી મળી શકે તેમ છે.

'ઉઠો, જાગો અને ઘ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો'ની વીરગર્જના કરી તેઓ આજની પ્રમાદી નવી પેઢીને ઢંઢોળે છે. સિધ્વિના શીખરો સર કરવાની હાકલ કરતા તેઓ કહે છે કે બુધ્ધિનો બળવો અનુભવ્યા વગર સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ શકય નથી. તેથી જ 'તુ ઘેટું નથી, સિંહ છો... ઉઠ, ઉભો થા, ત્રાડ નાખી અને જગતમાં ઘોષણા કર' જેવી ગર્જના કરી કહેતા કે મને યુવાનો પાસે નવનિર્માણની આશા છે. તેઓ દેશના યુવાનોને અખડામાં કે ફુટબોલના મેદાનમાં જવાનું કહેતા. તેઓના મતે યુવાશકિત પર જ દેશનો આત્મા ટકેલો હોય છે. સુધૃપ્તપણે રહેલી યુવાશકિતને જગાડવા માટે જરૂર છે સ્વામીજીના વિચારો જાણવાની. વિવેકાનંદના ગ્રંથોમાંથી યુવાવર્ગના હૃદયને ઝંકૃતિ મળે છે. એશ—આરામની આશામાં ડુબેલી, ફકત નોકરી મેળવવામાં જ જીવનનું સર્વસ્વ માનનારી આજની યુવા પેઢીને પોતાના ચારિત્ર્ય નિર્માણ અને દેશના પુનઃનિર્માણના કાર્યમાં લાગી જવ'ની પ્રેરણાશકિત સ્વામીજીના વિચારોમાંથી જ મળશે.

આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણાખરા પ્રથમ હરોળના મહારથીઓ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ જેવા કે મહાત્મા ગાંઘી, જવાહરલાલ નહેરૂ, સુભાષચંદ બોઝ, અરવિંદ ધોષ, રાધાકૃષ્ણન, રવિન્દ્રનાથ ટાગોર, હાવર્ડના પ્રોફેસર વિલિયમ જેમ્સ, નોબેલ વિજેતા રોમા રોલા વગેરે ઉપર પણ સ્વામીજીના વિચારોને પ્રભાવ હતો અને એટલે જ તો વિલિયમ જેમ્સે વિશ્વ સમક્ષ જણાવ્યું કે જો તમારે સાચા ભારતને જાણવું હોય તો-વિવેકાનંદનો અભ્યાસ કરો'.

સ્વામીજીના તત્વજ્ઞાનમાં કેન્દ્ર સ્થાને 'જયાં છીએ ત્યાંથી ઉંચા ઉઠવું', વિશ્વ નાગરીકોમાં વિવિધતા છતાં વૈશ્વિક બંધુતા જેવા સદ્બાવ ખીલે અને જેમની પાસે કંઈક છે તે થોડું જરૂરીયાત મંદને આપે તે જ હતું. તેઓ માનતા કે ધર્મનું કાર્ય માણસમાં અંદર જ ધરબાયેલી અજ્ઞાનતા અને વિકૃતિઓનું શમન કરી તેની દિવ્યાને બહાર લાવવાનું જ હોય શકે. આપણું ઘ્યેય ધર્મ પરિવર્તન નહીં પણ સહઅસ્તિત્વનું છે. -ધર્મની અંતિમ ફળશ્રુતિ પ્રજાની સુખાકારી અને ગુણવતા સભર જીવનશૈલી જ હોય શકે. તેઓ કહેતા કે માણસને ધર્મ કરતા રોટીની વધુ જરૂર છે. એટલે કે દેશ અને દુનિયાના ગરીબો, પીડીતોની સેવાને તેઓ સૌથી મહાનધર્મ માનતા. તેઓ માનતા કે ગરીબોને બેઠા કરવા તેમના ઘર સુધી વિકાસના ફળો પહોંચે તેવી રાજનીતી અને ઔદ્યોગિકનીતી હોવી જોઈએ. તેઓ કહેતા કે પ્રત્યેક સંસ્કૃતિ કોઈ એકાદ પાયારૂપ હેતુને લઈને વિકસતી હોય છે. ઈંગ્લેન્ડમાં ન્યાયપ્રણાલી, ફ્રાન્સમાં મુકિત, અમેરીકામાં સ્વાતંત્રતાની ભાવના, ભારતમાં ધર્મનો મહિમા વગેરેની આસપાસ માનવ અને જગતની ઉત્ક્રાંતિ થતી રહે છે.

 શિક્ષણ અંગે તેઓ માનતા કે તમોને માત્ર ભૌતિક રીતે જ સમૃધ્ધ બનાવે તેવું ના હોવું જોઈએ. શિક્ષણના તમામ વિષયો, અભ્યાસક્રમ એવા હોવા જોઈએ જે આપણી પરંપરા, ત્રદષિઓએ કરેલા સંશોધનો, જ્ઞાનને યથાર્થ પુરવાર કરે. શિક્ષણ તમારામાં માનવજગત અને તેના ઉત્થાન માટેની ભાવના જગાવે એ જ તેની અનિવાર્યતા છે.

 વિવેકાનંદજીના વિચારોની રેન્જ જોતા ખ્યાલ આવે કે તેઓ જ ખરેખર તો ધર્મના તત્વજ્ઞાનને પામ્યા હતા. તે સમયમાં તેઓએ સમાજવાદ, મુડીવાદ, ઔદ્યોગિકરણ, આતંકવાદ, યુવાશકિતથી માંડીને વિજ્ઞાનની મહતા સમાજવેલી. શિક્ષણ , પુરૂષાર્થ અને નવનિર્માણની દષ્ટિ પુરી પાડી. એ અરસામાં આપણી પ્રજા સાવ ગરીબ, અભણ, અજ્ઞાન, ગુલામ અને લદ્યુતાગં્રથીથી પીડાતી હતી. વિવેકાનંદે એવા સંજોગોમાં પ્રજામાં ખુમારી, આત્મવિશ્વાસ, ધર્મપ્રત્યે આસ્થા અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણો વિકસાવી પ્રાણ પૂર્યા હતા. તેમણે એક તરફ પ્રજાને ઢંઢોળી તો બીજી તરફ ઢોંગી, પાખંડીએ અને શોષણખોરોને ચાબખા લગાવ્યા.. જયાં છો ત્યાં સતત નવી ઉંચાઇ પ્રાપ્ત કરો અને તે કર્મ સાથે જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવાથી જ શકય બનશે તે સમજાવ્યું. આપણામાં અતૂટ વિચારો, શકિત, સંસ્કાર મોજુદ છે. આપણે અજ્ઞાન અને બંધીયારપણાના આવરણ હટાવવા પડશે તેવું તેઓ વારંવાર કહેતા. શબ્દોનો વૈભવ ગૌણ છે, આપણે વિચારો અને કર્મથી દેશે મહાન બનાવવાનો છે. જો તમે પ્રફુલીત, આનંદીત અને સ્ફુર્તિમય હો તે આધ્યાત્મિક હોવાની પ્રથમ નિશાની છે. વિવેકાનંદને માત્ર મોક્ષ માટે સ્વકેન્દ્રી અને કર્મહીન બની જનારાઓ માટે ભારે રોષ હતો. અપૂર્વ આધ્યાતિમક અનુભુતિઓ, જવલંત દેશપ્રેમ તેમજ વિશ્વકલ્યાણની ચિંતા સદાય તેમના હૃદયમાંથી જોવા મળતી.

 તેઓએ આશા સેવેલી કે વિશ્વમાં જયારે પણ વૈમનસ્ય, સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક કટોકટી સર્જાશે, અધઃપતન અને પડતીનો માહોલ જોવા મળશે ત્યારે ભારત દેશ જ બધાને ઉગારશે. ભારતની પ્રજા પોતાની જીવનશૈલી, સમાજ વ્યવસ્થા, ધર્મનો પ્રભાવ, વેદોનું કોઈપણ કૌળ - દેશનું વ્યવહારૂ જ્ઞાન, તહેવારોનો મર્મ અને પરંપરા વિશ્વને સ્પર્શશે.

'વસુધૈવ કુટુંબકમ' ની ભાવના આપણા પૂર્વજોએ આપી છે તે વિશ્વ નાગરીકના ખ્યાલરૂપે બહાર આવશે. વિશ્વએ દિવ્યતા અને માનવ હોવાનો એહસાસ કરવા ભારત સામે જોવું પડશે. વિવેકાનંદજીએ પોતાના વિચારોને આચરણમાં મુકતા દેશ અને દુનિયાનું અનેક વખત પરિભ્રમણ કરેલ. ભારતમાં અને વિશ્વમાં અનેક દેશોમાં મઠો અને મિશનો દ્વારા સેવા અને આઘ્યાત્મિકતાની જયોત જલતી રાખેલ છે. રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતા અનાથાશ્રમો, શિક્ષણ સંસ્થાનો, હોસ્પીટલો ઉપરાંત પ્લેગ, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતો સમયે ઉભા કરવામાં આવતા રાહત કેન્દ્રો જેવા કાર્યોથી સ્વામીજીનો જીવન સંદેશ દેશ અને દુનિયામાં ફેલાતો રહ્યો છે.

સન્ ૧૮૯૩માં શિકાગોમાં મળેલ વિશ્વધર્મ પરિષદના માનમાં જે ઘંટરાવ થયો ત્યારે સ્વામીજીએ આશા સેવી હતી કે આ ઘંટ વિશ્વમાંના દરેક પ્રકારના ધર્મઝનુનો, કલમ કે તલવારથ્ી ચાલતા અત્યાચારોં અને સતા લાલસાના રસ્તે ચાલનારાઓની અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુ ઘટ બની રહે.

 અને એટલે જ માનવ સંસ્કૃતિની ટોચને આંબવા મથતી ૨૧મી સદી આ મહામાનવના જીવન સંદેશને ઝંખી રહી છે કે જેમાં માનવ જાતના સુખ, શાંતિ અને ઉન્નતિના ઉપાયો રહેલા છે. એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ તેઓને કોટી કોટી વંદન... અસ્તુ.

(11:39 am IST)