Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જમ્મુ-કાશ્મીરમાં ધરતીકંપનાં આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1 નોંધાઈ : લોકો ઘરની બહાર દોડ્યા

ડોડા, કિશ્તવાડ, રામબન, ઉધમપુર, અનંતનાગ, કુલગામ, શ્રીનગર અનુભવાયા આંચકા

જમ્મુ-કાશ્મીરમાં  સાંજે ધરતીકંપનાં આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરનો કિશ્તવાડ જિલ્લામાં હતું. ભૂકંપ સાંજે 7:32 મિનિટ પર આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર, જાન-માલનું કોઈ નુકસાન થયું નથી

ભૂકંપ બાદ ડોડાનાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે મામલતદારો અને એસએચઓને સૂચના આપવામાં આવી કે કોઈ પણ વિસ્તારમાં જાન-માલનું કોઈ નુકસાન થયું છે કે કેમ તેની તુરંત જાણ કરે. આ ઉપરાંત તેમણે જિલ્લાના લોકોને સંયમ રાખવાની અપીલ કરી અને પ્રાથમિક રીતે જરૂરી સાવચેતીનાં પગલાં ભરવા જણાવ્યું. કિશ્તવાડ અને ઉધમપુર જિલ્લામાં લોકો ભૂકંપ દરમિયાન લોકો પોતાના ઘરોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં આવ્યા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉધમપુર, ડોડા, કિસ્તવાડ, પૂંચ તેમજ જમ્મુ વિભાગમાં તેમજ કાશ્મીર ખીણમાં લોકોએ આંચકા અનુભવ્યા. જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા તેમાં ડોડા, કિશ્તવાડ, રામબન, ઉધમપુર, અનંતનાગ, કુલગામ, શ્રીનગરનો સમાવેશ થાય છે.

નોંધપાત્ર બાબત એ છે કે, આ વર્ષે 4 જાન્યુઆરીએ સવારે જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર બાંદીપોરામાં હતું. 21 ડિસેમ્બરે રાજ્યમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ પહેલા 7 જાન્યુઆરી, 2021 ના રોજ, ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 9 કિમી દૂર હોવાનું બતાવાયું હતું. છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં ભૂકંપના 70 થી વધુ આંચકા અનુભવાયા છે.

(12:00 am IST)