Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

રવિન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષચંદ્ર, સ્વામી વિવેકાનંદ આજે પણ પ્રેરણારુપ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી

હાવડા બ્રિજ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ :બંગાળની સંસ્કૃતિ મારફતે મોદીએ રાષ્ટ્રવાદી અભિયાનની શરૂઆત કરી : હાવડાબ્રિજ કાર્યક્રમમાં મમતા સાથે દેખાયા

કોલકાતા, તા. ૧૧ : બે દિવસના પ્રવાસે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની સંસ્કૃતિ અને ઇતિહાસ મારફતે રાષ્ટ્રવાદી અભિયાનની આજે શરૂઆત કરી હતી. વડાપ્રધાને સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષચંદ્ર, ઇશ્વરચંદ વિદ્યાસાગર, રાજા રામમોહન રાયના દાખલા રજૂ કરતા કહ્યું હતું કે, ભારતની કલા, સંસ્કૃતિ અને હેરિટેજને ૨૧મી સદી મુજબ સંરક્ષિત કરવા અને તેમને રિબ્રાન્ડ, રિનોવેટ અને રિહાઉસ કરવા આજે રાષ્ટ્રવાદી અભિયાન પશ્ચિમ બંગાળની માટીથી શરૂ થાય છે. કોલકાતામાં ગાળેલા જુના સમયને યાદ કરતા મોદીએ કહ્યું હતું કે, સંસ્કૃતિ અને સાહિત્યની તરંગ અને ઉમંગથી ભરેલા કોલકાતાના આ વાતાવરણમાં આવીને ખુબ આનંદ થાય છે. તેમને પોતાને તરોતાજા કરવાનો આ અવસર છે. મોદી આજે જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, ભારત દુનિયામાં હેરિટેજ ટ્યુરિઝમના મોટા સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. આ કાર્યક્રમ બાદ મોદીએ ઐતિહાસિક હાવડા બ્રિજ ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કર્યો હતો. આ રંગારંગ કાર્યક્રમમાં તેમની સાથે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ આજે ભારતની કલા, સંસ્કૃતિ અને સાહિત્યના ક્ષેત્રમાં એક મોટા દિવસ હોવાની વાત કરી હતી. કોલકાતામાં ગાળેલા સમયની વાત કરતા તેમણે કહ્યું હતું કે, આજે અમે તમામ ઇશ્વરચંદ વિદ્યાસાગરની ૨૦૦મી જ્યંતિ મનાવી રહ્યા છીએ. ૨૦૨૨માં જ્યારે ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષ થશે ત્યારે એક સુખદ સંયોગ બનશે. રાજા રામમોહન રાયની પણ ૨૫૦મી જ્યંતિ આવશે. મોદીએ સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષબાબુની પણ યાદ અપાવી હતી અને કહ્યું હતું કે, તેમનાથી આજે પણ પ્રેરણા મળે છે.

(12:00 am IST)