Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ઝૂમ પર 900 કર્મચારીઓની હકાલપટ્ટી કરનાર ભારતીય મૂળના સીઇઓ વિશાલ ગર્ગ રજા પર

હકાલપટ્ટી કરતા સોશિયલ મીડિયા પર મોટાપાયા પર આક્રોશ ફેલાયો

ન્યૂયોર્ક: અમેરિકા સ્થિત હોમઓનરશિપ કંપની બેટર ડોટ કોમના ભારતીય મૂળના સીઇઓ વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ પર 900 કર્મચારીઓની હકાલપટ્ટી કરી તેના લીધે સોશિયલ મીડિયા પર મોટાપાયા પર આક્રોશ ફેલાયો છે. આના કારણે કંપનીની બગડતી સ્થિતિ જોઈને વિશાલ ગર્ગ પોતે રજા પર ઉતરી ગયા છે.કંપનીના બોર્ડે જણાવ્યા મુજબ તેમની રજા તાત્કાલિક અસરથી અમલી બની છે.

વિશાલનું કામકાજ હવે કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર કેવિન રયાન જોશે. બેટર ડોટ કોમે નેતૃત્વ અને સાંસ્કૃતિક મૂલ્યાંકન કરવા માટે થર્ડ પાર્ટીની ફર્મને કામકાજ પર રાખી છે. તેની ભલામણોના આધારે કંપંનીમાં દીર્ઘકાલીન સ્થાયી અને સકારાત્મક સંસ્કૃતિ બનાવવા પર ધ્યાન અપાશે.

કંપનીનું કહેવું છે કે અમે એક સકારાત્મક કામકાજી સંસ્કૃતિનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ. વિશાલ ગર્ગે તાજેતરમાં જ એક ઝૂમ કોલમાં 900 કર્મચારીઓની હકાલપટ્ટી કરતાં સમગ્ર વિશ્વમાં લોકોએ વિશાલ ગર્ગની આકરી ટીકા કરી હતી. તેના પછી કંપનીએ વિશાલ ગર્ગને રજા પર ઉતારવાનો નિર્ણય લીધો છે.

ત્રણ મિનિટના આ વિડીયો કોલમાં વિશાલે 900 કર્મચારીઓને ફાયર કર્યા હતા, જે કંપનીના કર્મચારીઓના લગભગ ૯ ટકા હતા. આ હકાલપટ્ટી પાછળ વિશાલે બજારની નબળી સ્થિતિ, કામગીરી અને ઉત્પાદકતા ગણાવ્યું હતું. હકાલપટ્ટી કરાયેલા કર્મચારીઓ કંપનીના કુલ કર્મચારીઓના નવ ટકા કર્મચારીઓ હતા. આ છટણી પછી કંપનીની આકરી ટીકા થતાં તેના ત્રણ ટોચના અધિકારીએ પણ રાજીનામુ આપ્યું હતું.

(1:12 am IST)