Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

તેજસ્વીએ સમાજની બહાર લગ્ન કર્યા તે સમાજનું કલંક છે : રાજયોગ હતો પરંતુ હવે શક્ય નહીં બને :મામા સાધુ યાદવ

મામા બનવું હોય તો કૃષ્ણ જેવા બનો કંસ જેવા નહીઃ રોહિણી આચાર્યનો પલટવાર

પટણાઃ તેજસ્વી યાદવે ખ્રિસ્તી પરિવારના રાશેલ ગોડિન્હો સાથે લગ્ન કરતા લાલુ પરિવારમાં તડા પડી ગયા છે. લગ્નને માંડ દિવસ થયો છે ત્યારે તેજસ્વીના મામા સાધુ યાદવે જણાવ્યું છે કે તેજસ્વીએ સમાજની બહાર લગ્ન કર્યા તે સમાજ માટે કલંક છે.

તેણે બધુ બગાડી નાખ્યુ. તેના નસીબમાં રાજયોગ લખ્યો હતો, પરંતુ હવે તે શક્ય લાગતો નથી. સમાજથી બહારની યુવતી સાથે લગ્ન કરવા યોગ્ય નથી.

સાધુ યાદવે જણાવ્યું હતું કે ખ્રિસ્તી યુવતી સાથે લગ્ન કરીને તેમણે અમારા યદુવંશી સમાજના માથે કલંક લગાવ્યું છે. અમારો યદુવંશી સમાજ આ વાત ન સ્વીકારી શકે. ભાણિયો ઇચ્છે છે કે ચૂંટણીમાં યાદવો તેને મત આપે, પરંતુ તેણે લગ્ન સમાજની બહારની યુવતી સાથે કરતા હવે યાદવો તેને કઈ રીતે વોટ આપશે. સાધુ યાદવને પડકારતા તેજસ્વીની બહેન રોહિણી આચાર્યએ જણાવ્યું હતું કે આજે પણ કેટલાક મામા હોય છે જે કંસ જેવા હોય છે, મામા બનવું હોય તો કૃષ્ણ જેવા બનો કંસ જેવા નહી. તેની સાથે તેમણે મામાને કંસ જેવા અન્યાયની નહી પણ કૃષ્ણ જેવા ન્યાયી થવાની શીખ આપી હતી. આમ લાલુ પરિવારમાં તેજસ્વીના લગ્નને લઈને તડા પડી ગયા છે. તેજસ્વીએ સમાજમાં લગ્ન ન કરતાં તેના મામા સાધુ યાદવ હવે તેજસ્વી કયા આધારે યાદવો પાસેથી વોટ માંગશે તેવો સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેજસ્વીએ તેની બધી બહેનો યાદવોમાં પરણાવી છે, પરંતુ જ્યારે તેને પોતાને પરણવાનો વારો આવ્યો ત્યારે તે જ્ઞાતિની બહાર પરણ્યો તે ક્યાંનો ન્યાય છે

પૂર્વ મુખ્યપ્રધાન રબડી દેવીના ભાઈએ જણાવ્યું હતું કે તેજસ્વીએ બધુ બગાડી નાખ્યું. તેજસ્વી બિહારમાં જાતિગત મતગણતરીની વાત કરે છે, હવે તેમણે પોતે જ સમાજની બહારની ખ્રિસ્તી યુવતી સાથે વાત કરી છે તો પછી જાતિગત મતગણનાની શી જરૃર છે. બિહાર પર જ્યારે પણ કોઈ તકલીફ આવતી હતી ત્યારે તેજસ્વી દિલ્હી જતા રહેતા હતા તેની હવે ખબર પડી.

તેમણે લાલુયાદવ પર હુમલો કરતા જણાવ્યું છે કે તેમના કુટુંબે તેજસ્વીના લગ્નને કેમ છૂપાવ્યા. દુલ્હનનું નામ કેમ ન બતાવ્યુ, તેની હવે ખબર પડી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે તેમના ભાણિયાને લગ્નના અભિનંદન નહી આપે.

(12:52 am IST)