Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

એક્સપર્ટ કમિટીએ કહ્યું-કોરોનાના બૂસ્ટર ડોઝને ક્લિનિકલ ટ્રાયલ વિના મંજૂરી આપી શકાય નહીં

પેનલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી વધારાનો ડેટા માંગ્યો :ત્યારબાદ પેનલ બીજી મીટિંગ કરશે

નવી દિલ્હી : સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) હેઠળની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ જણાવ્યું કે કોરોનાના બૂસ્ટર ડોઝને ક્લિનિકલ ટ્રાયલ વિના મંજૂરી આપી શકાતી નથી. SEC એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ (SII)ની અરજીની સમીક્ષા કરતી વખતે આ વાત કહી. પેનલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી વધારાનો ડેટા માંગ્યો છે, ત્યારબાદ પેનલ બીજી મીટિંગ કરશે.

કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવ્યા પછી SII એ તેની રસી કોવશિલ્ડનો બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી માંગી હતી. SII એ જણાવ્યું હતું કે તેમની પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક છે અને બૂસ્ટર શોટની ડિમાંડ વધી રહી છે.

SII માં ગવર્નમેન્ટ એડ રેગ્યુલેટરી અફેર્સના ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે SEC ને અરજી સોંપતા જણાવ્યું હતું કે બ્રિટને એસ્ટ્રાઝેનેકાના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) સમક્ષ અરજી દાખલ કરતી વખતે, તેમણે જણાવ્યું હતું કે ભારત અને અન્ય દેશોના લોકો જેમને કોવશિલ્ડના બે ડોઝ મળ્યા છે તેઓ તેમની કંપનીને બૂસ્ટર ડોઝ તૈયાર કરવા માટે અપીલ કરી રહ્યા છે.

દેશના નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI) એ દેશમાં કોરોનાના બૂસ્ટર ડોઝને લઈને વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતના SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) એ જણાવ્યું કે તેઓએ હજુ સુધી બૂસ્ટર ડોઝને અપ્રૂવલ નથી આપ્યું.

(10:08 pm IST)