Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

સી-વોટરનો લેટેસ્ટ સર્વેઃ યુપીમાં ભાજપને મળી શકે છે સત્તા, અખિલેશ સાથે જોરદાર સંઘર્ષ: પંજાબ સહિત પાંચ રાજ્યોની સ્થિતિ

નવી દિલ્હી :  ભારતીય જનતા પાર્ટી (BJP) ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર સરકાર બનાવી શકે છે પણ તેને સમાજવાદી પાર્ટી તરફથી સારી ટક્કર મળી શકે છે.  એબીપી અને સી વોટરના તાજેતરના સર્વે અનુસાર માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના પ્રદર્શનમાં સુધારો થતો જણાતો નથી, તો પ્રિયંકા ગાંધીની મહેનત છતાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં રહેશે..

સી વોટરના તાજા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ૪૦૩ સીટોવાળી યુપી વિધાનસભામાં ભાજપ ૨૧૨ થી ૨૨૪ સીટો જીતી શકે છે, જ્યારે સમાજવાદી પાર્ટી ૧૫૧ થી ૧૬૩ સીટો કબજે કરી શકે છે.  બસપાને ૧૨થી ૨૪ બેઠકો મળી શકે છે.  બીજી તરફ કોંગ્રેસ માત્ર ૨-૧૦ સીટો પર જ જીતી શકે છે.  જો ભાજપને યુપીમાં ૪૦ ટકા મતો મળી શકે છે તો સમાજવાદી પાર્ટીને ૩૪ ટકા મત મળવાની ધારણા છે.  બસપાને ૧૩ ટકા અને કોંગ્રેસને ૭ ટકા મત મળવાની સંભાવના છે
શું પંજાબમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવાઈ જશે?
સી વોટરના સર્વે મુજબ આમ આદમી પાર્ટી (આપ) પંજાબમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી શકે છે.  કોંગ્રેસને ૩૪ ટકા વોટ મળી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીને ૩૮ ટકા વોટ મળવાની ધારણા છે.  અકાલી દળ ગઠબંધનને ૨૦ ટકા અને ભાજપને 3 ટકા વોટ મળી શકે છે.  પંજાબમાં કોંગ્રેસને ૩૯-૩૪ બેઠકો મળી શકે છે, જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પહેલીવાર દિલ્હીની બહાર આ રાજ્યમાં ૫૦થી ૫૬ બેઠકો જીતી શકે છે.  અકાલી દળ ગઠબંધનને ૧૭થી ૨૩ બેઠકો અને ભાજપને ૦થી ૩ બેઠકો મળી શકે છે

ઉત્તરાખંડમાં કાંટાની ટક્કર
સી વોટરના લેઇટેસ્ટ સર્વે મુજબ ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોક્સની લડાઈ થઈ શકે છે.  ભાજપને ૩૩થી ૩૯ બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને ૨૯થી ૩૫ બેઠકો મળવાની ધારણા છે. ૦ થી ૧ સીટ અન્ય પક્ષના ખાતામાં જઈ શકે છે.  અહીં ભાજપને ૪૦ ટકા વોટ શેર મળી શકે છે તો કોંગ્રેસને ૩૬ ટકા વોટ મળવાની શક્યતા છે.  અન્ય પક્ષઓ ૧૩% વોટ મેળવી શકે છો.

 

ગોવામાં ભાજપ ફરી સત્તા મેળવી શકે છે
સી વોટરના સર્વે મુજબ ગોવામાં ફરી એકવાર ભાજપને સત્તા મળી શકે છે.  ભાજપ પાર્ટી અહીં ૧૭ થી ૨૧ સીટો જીતી શકે છે તો કોંગ્રેસ ૪-૮ સીટો મેળવી શકે છે.  આમ આદમી પાર્ટીને ૫-૯ બેઠકો મળી શકે છે, જ્યારે અન્યના ખાતામાં ૬થી ૧૦ બેઠકો આવી શકે છે.  ગોવામાં ભાજપ ૩૦ ટકા વોટ શેર મેળવી શકે છે જ્યારે કોંગ્રેસને ૨૦ ટકા વોટ મળી શકે છે.  આપ ને ૨૪ ટકા વોટ મળવાની શક્યતા છે.

મણિપુરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા

સી વોટર સર્વે અનુસાર, મણિપુરની ૬૦ સભ્યોની વિધાનસભામાં ભાજપને ૨૯થી ૩૩ બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસ ૨૩થી ૨૭ બેઠકો કબજે કરી શકે છે.  એનપીએફને ૨-૬ અને અન્યને ૦-૨ બેઠકો મળી શકે છે.  મણિપુરમાં ભાજપને ૩૮ ટકા વોટ શેર મળી શકે છે જ્યારે કોંગ્રેસને ૩૪ ટકા સીટો મળી શકે છે.  એનપીએફને ૯ ટકા અને અન્યને ૧૯ ટકા મળવાની ધારણા છે.

(10:19 pm IST)