Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

કેસમાં તોડના આરોપથી IPS અધિકારી સસ્પેન્ડ

બિલ્ડરના ફ્લેટમાંથી ચોરી થવાના કેસમાં ખુલાસો : ઓગસ્ટ મહિનામાં થયેલી ચોરીની તપાસમાં પોલીસને અત્યારસુધી ૨૨ કરોડ રુપિયાનો હિસાબ મળ્યો

ગુરુગ્રામ , તા.૧૧ : બિલ્ડરના ફ્લેટમાંથી કરોડો રુપિયાની ચોરી થવાના એક કેસમાં મોટો તોડ કરવાના આરોપમાં હરિયાણા સરકારે એક ૈંઁજી ઓફિસરને સસ્પેન્ડ કર્યા છે. ઓગસ્ટ મહિનામાં થયેલી ચોરીની તપાસમાં પોલીસને અત્યારસુધી ૨૨ કરોડ રુપિયાનો હિસાબ મળ્યો છે. જોકે, ચોરીની રકમ તેનાથી વધારે હોવાની શંકા છે. ગુરુગ્રામના સેક્ટર ૮૪માં થયેલી આ ચોરીમાં પોલીસે બે ડૉક્ટરોની પણ ધરપકડ કરી છે.

આ ઘટના બની ત્યારે આઈપીએસ ધીરજ સેટિયા ગુરુગ્રામમાં સાઉથ ઝોનના ડીસીપી હતા. તેમની પાસે ક્રાઈમ બ્રાંચનો પણ વધારાનો હવાલો હતો. ચોરીના કેસની તપાસ ક્રાઈમ બ્રાંચ કરી રહી હતી. જોકે, તપાસમાં ખાસ કંઈ બહાર ના આવતા આખરે મામલો સ્ટેટ ટાસ્ક ફોર્સને સોંપવામાં આવ્યો હતો. જેણે બે ડૉક્ટરોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસને જાણવા મળ્યું હતું કે તેમણે જ એક ગેંગસ્ટરને કેશ વિશે બાતમી આપીને ચોરીનો પ્લાન બનાવવામાં મદદ કરી હતી.

બે ડૉક્ટરો પાસેથી પોલીસને ૩.૯ કરોડ રુપિયા મળી આવ્યા હતા. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, આ મામલામાં તેમણે આઈપીએસ સેટિયાને સાડા ત્રણ કરોડ રોકડા અને સોનાની લગડી આપી હતી. જોકે, સેટિયાએ ૨૦ લાખ રાખી બાકીનો માલ પાછો આપી દીધો હતો. કોર્ટમાં પણ બંને આરોપીઓઓએ આ જ નિવેદન આપતા એડિશનલ જજ જસબીર સિંહે નોંધ્યું હતું કે મામલો દબાવવા માટે આરોપીઓએ ડીસીપી જેવા અધિકારીને તગડી રકમ ચૂકવી હોવાનો દાવો ઘણો ગંભીર છે. જોકે, પોલીસે તેને લઈને કોઈ નક્કર કાર્યવાહી નથી કરી.

કોર્ટે આકરી ટિપ્પણી કરતા એમ પણ જણાવ્યું હતું કે આરોપીઓએ કરેલી કબૂલાત બાદ પણ એક વરિષ્ઠ ઓફિસર સામે પગલાં ના લઈને પોલીસ જાણે તેમને પુરાવા નષ્ટ કરવાનો સમય આપી રહી છે. કોર્ટના કડક વલણ બાદ કેસની તપાસ કરી રહેલી ટાસ્ક ફોર્સે આઈપીએસ સેટિયાને પૂછપરછ માટે હાજર થવા નોટિસ મોકલી હતી. જોકે, તેનો કોઈ જવાબ નહોતો મળ્યો. પોલીસ તેમના ઘરે પણ પહોંચી હતી, પરંતુ ત્યાં પણ આઈપીએસ નહોતા મળી આવ્યા. બુધવારે સેટિયા વિરુદ્ધ એન્ટી કરપ્શન એક્ટ અને આવકથી વધુ સંપત્તિ રાખવાનો ગુનો દાખલ કરાયો હતો.

આઈપીએસ સેટિયા સામે ગુનો દાખલ થતાં જ સરકારે તેમને તાત્કાલિક અસરથી પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. હાલ તેમનું પોસ્ટિંગ રોહતક જિલ્લાના સુનારિઆમાં ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના કમાન્ડન્ટ તરીકેનું છે.

રાજ્યના ગૃહ વિભાગના સચિવે કરેલા સસ્પેન્શન ઓર્ડરમાં જણાવાયું છે કે ફરજ મોકૂફી દરમિયાન તેમનું હેડક્વાર્ટર પંચકુલા ડીજીપી ઓફિસ રહેશે.

(7:30 pm IST)