Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ઓમિક્રોન સામે કોવિશિલ્ડ બ્રિટનમાં બિનઅસરકારક

ભારતમાં કોવિશિલ્ડનો વ્યાપક ઉપયોગ થાય છે : રાહતની વાત એ છે કે રસીનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ નવા વેરિઅન્ટ સામે ૭૬ ટકા સુધી અસરકારક

લંડન, તા.૧૧ : ભારતમાં પણ કોવિશિલ્ડનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, જો અન્ય દેશોમાં તે ઓમિક્રોન સામે અસરકારક ન જણાય તો ભારત માટે ટેન્શન વધી શકે છે.યુકેમાં લાખો લોકો કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી અસુરક્ષિત અને સંક્રમણના જોખમ વચ્ચે શ્વાસ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો બૂસ્ટર ડોઝ મેળવવા માટે હરીફાઈ કરી રહ્યા છે, જ્યારે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એનએચએસ બુકિંગ સાઇટ પર ખલેલને કારણે ઘણા લોકો ક્રિસમસ સુધી રસી મેળવી શકશે નહીં. રસીની તપાસમાં ભારતમાં કોવિશિલ્ડ તરીકે ઓળખાતી એસ્ટ્રાઝેનેકા રસી સાથે ટેન્શન ઉભું થયું છે. જે થોડા મહિના પછી ઓમિક્રોન સામે બિનઅસરકારક હોવાનું જણાયું છે. જોકે, રાહતની વાત એ છે કે રસીનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ નવા વેરિઅન્ટ સામે ૭૬ ટકા સુધી અસરકારક સાબિત થયો છે.

ઓમિક્રોન યુકેમાં ઝડપથી પગપેસારો કરી રહ્યો છે અને આગામી બે અઠવાડિયામાં તેનું ભયાનક રૂપ જોવા મળી શકે છે. યુકેની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ ચેતવણી જારી કરીને કહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં સંક્રમણના કેસ ૧ મિલિયન સુધી પહોંચી શકે છે. જો કે, રાહતની વાત એ છે કે, રસીના બૂસ્ટર ડોઝે ઓમિક્રોન સામે અસરકારકતા દર્શાવી છે, પરંતુ લાખો લોકો કે જેમણે હજુ સુધી ત્રીજો ડોઝ લીધો નથી તેમને ચેપનું જોખમ છે. સરકારી વૈજ્ઞાનિકોએ યુકેમાં ઓમિક્રોનના ૫૮૧ કેસોની સરખામણી ડેલ્ટામાં ૫૬,૦૦૦ કેસ સાથે કરી હતી જેથી એ અનુમાન લગાડી શકાય કે, નવો વેરિયન્ટની સામે વેક્સીન કેટલી સારી રીતે રક્ષણ આપે છે.

તેઓએ જોયું કે મોટા ભાગના વૃદ્ધ લોકો કે જેમને ઘણા મહિનાઓ અગાઉ એસ્ટ્રાઝેનેકાના બે ડોઝ આપવામાં આવ્યા હતા તેઓને ઓમિક્રોન સામે લગભગ કોઈ સુરક્ષા દેખાતી નથી. બે ફાઈઝર ડોઝ ૩૦ ટકાથી થોડું વધારે રક્ષણ દર્શાવે છે. પરંતુ ત્રીજા ડોઝ તરીકે ફાઈઝરનો ઉપયોગ એસ્ટ્રાઝેનેકા રસી લેનારાઓમાંથી ૭૧ ટકા અને ફાઈઝર રસીના બંને ડોઝ લેનારાઓમાંથી ૭૬ ટકા સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.

બ્રિટનની ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ ભારતના રસીકરણ અભિયાનમાં કોવિશિલ્ડ નામથી કરવામાં આવે છે, જેનું ઉત્પાદન ભારતમાં જ થાય છે. નિષ્ણાતો લોકોને બુસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરી રહ્યા છે. યુકેમાં દર ત્રણ દિવસે ઓમિક્રોનના કેસ બમણા થઈ રહ્યા છે. આરોગ્ય અધિકારીઓ આગામી ક્રિસમસ વિશે ચિંતિત છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા માટે રોડ ઉતરે છે. લોકોને ચેપથી બચવા માટે ટેસ્ટ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

(7:25 pm IST)