Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

મોદી બધાને સાંભળે છે એ જ તેમની તાકાતતેમને ખબર પડે છે લોકોને શું જોઇએ છે

ટ્વીટ - કેન્ડલ માર્ચથી BJPને હરાવી ન શકાય : કોંગ્રેસમાં લોકતંત્ર જ નથી

પ્રશાંત કિશોરે ફરી રાહુલ - કોંગ્રેસ ઉપર કર્યા પ્રહારો : કોંગ્રેસને બચાવવી હોય તો ગાંધી પરિવારથી બહારની વ્યકિતને પ્રમુખ બનાવો : કોંગ્રેસ વગર પણ ભાજપ વિરોધી મોરચો શકય છે

નવી દિલ્હી, તા., ૧૧: ચુંટણી રણનીતીકાર પ્રશાંત કિશોરે ફરી એક વખત કોંગ્રેસ પક્ષ ઉપર તીખા તમતમતા પ્રહારો કર્યા છે. તેમણે ઇન્ડીયા ટુડેને આપેલી એક મુલાકાતમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર પ્રહારો કરતા કહયું છે કે, ભાજપને કેંડલ માર્ચ કે ટવીટ થકી હરાવી ન શકાય. તેમણે મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહયું હતું કે, તેઓની સૌથી મોટી તાકાત એ છે કે તેઓ બધાને સાંભળે છે, એટલું જ નહિ તેમને ખબર છે કે લોકોને શું જોઇએ છે.

તેમણે મુલાકાત દરમિયાન જણાવ્યુંં હતું કે, કોંગ્રેસ વિના પણ ભારતમાં વિપક્ષ  સંભવ છે. કોંગ્રેસ વગર પણ ભાજપ વિરોધી મોરચો રચી શકાય તેમ છે. તેમણે કોંગ્રેસને સલાહ આપતા જણાવ્યું છે કે જો પક્ષને બચાવવો હોય તો ગાંધી પરિવારથી બહારના કોઇ પણ નેતાને લોકતાંત્રીક રીતે અધ્યક્ષ તરીકે ચુંટવો જોઇએ. સાથોસાથ તેમણે રાહુલ ગાંધીને આડે હાથ લેતા એવું પણ જણાવ્યું હતું કે એક ટવીટ અને કેંડલ માર્ચથી તમે ભાજપને હરાવી ન શકો.

ઇન્ટરવ્યુ દરમિયાન પ્રશાંત કિશોરે ર૦ર૪ની સામાન્ય ચુંટણીઓમાં વિપક્ષ માટે ભાજપનો મુકાબલો કરવા માટે પોતાની બ્લુ પ્રિન્ટ પણ રજુ કરી હતી.ે તેમણે કોંગ્રેસ પર  નિશાન સાધ્યુ હતુ અને કહયું હતું કે દેશની સૌથી જુની પાર્ટી વગર પણ ભાજપ વિરોધી મોરચો સંભવ છે.

પ્રશાંત કિશોરે એવુ પણ જણાવ્યું હતું કે,   ૧૯૮૪ બાદ કોંગ્રેસને પોતાની તાકાતથી એક પણ લોકસભાની ચુંટણીમાં વિજય નથી મળ્યો. છેલ્લા ૧૦ વર્ષમાં કોંગ્રેસને ૯૦ ટકા ચુંટણીઓમાં કારમો પરાજય મળ્યો છે. કોંગ્રેસના નેતૃત્વએ પરાજયની જવાબદારી લેવી જોઇએ.

તેમણે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહયું હતું કે, તેઓ બધા લોકોને સાંભળે છે એ જ તેમની મોટી તાકાત છે. તેમને ખબર છે કે આખરે લોકોને શું જોઇએ છે. પ્રશાંત કિશોરે એવુ પણ કહયું હતું કે, આવતા કેટલાક દાયકાઓ સુધી ભાજપની આસપાસ જ દેશની રાજનીતી ફરતી રહેશે.

અત્રે નોંધનીય છે કે પ્રશાંત કિશોર હાલ મમતા બેનર્જી માટે ચુંટણી રણનીતી બનાવી રહયા છે. આ પહેલા તેમણે ર૦૧૪ ની લોકસભાની ચુંટણીમાં ભાજપ માટે આ સિવાય નિતીશ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, સ્ટાલીન, જગન મોહન રેડ્ડી, કેજરીવાલ અને કેપ્ટન અમરીન્દર માટે પણ ચુંટણી રણનીતી બનાવી હતી.  આ પહેલા પણ તેમણે ટવીટ કરીને લખ્યું હતું કે, કોંગ્રેસ મજબુત વિપક્ષ માટે જે વિચાર અને વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે મહત્વનું છે. પરંતુ વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસનો દિવ્ય અધિકાર નથી કે જયારે પક્ષ ૧૦ વર્ષમાં ૯૦ ટકા ચુંટણીઓ હાર્યો હોય. તેમણે કોંગ્રેસના નેતૃત્વ ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા.

(3:09 pm IST)