Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

સોસાયટીનું મેઇન્ટેનન્સ ૭૫૦૦થી વધારે થશે તો ૧૮ ટકા જીએસટી

એએઆરના ચુકાદા અનુસાર મકાન માલિક અથવા ભાડૂતે ચૂકવવો પડશે જીએસટી

નવી દિલ્હી તા. ૧૧ : હાઉસીંગ સોસાયટીની મેઇન્ટેનન્સ રકમ પર જીએસટી બાબતે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર અગ્રીમ નિર્ણય પ્રાધિકરણ (એએઆર)એ નિર્ણય સંભળાવી દીધો છે. તેના અનુસાર દર મહિને ૭૫૦૦ રૂપિયાથી વધારેના મેઇન્ટેનન્સ ખર્ચ પર હવે ૧૮ ટકા જીએસટી પણ આપવો પડશે.

જીએસટી એએઆરની મહારાષ્ટ્ર બેંચે પોતાના ચુકાદામાં કહ્યું કે, જો હાઉસીંગ સોસાયટીનો પ્રતિ ફલેટ મેઇન્ટેનન્સ ચાર્જ ૭૫૦૦ રૂપિયા માસિકથી વધારે થશે તો આખી રકમ પર ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.

જુલાઇમાં મદ્રાસ હાઇકોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે, સોસાયટીના મેઇન્ટેનન્સ ખર્ચની એ રકમ પર જ જીએસટી ચૂકવવો પડશે જે ૭૫૦૦થી વધારે હશે. એટલે જો કોઇ સોસાયટી ૮૦૦૦ રૂપિયા માસિક મેઇન્ટેનન્સ લે તો જીએસટી ફકત ૫૦૦ રૂપિયા પર લાગશે. હવે એએઆરે સ્પષ્ટતા કરી છે કે ૭૫૦૦ રૂપિયાની છૂટની લીમીટની ઉપર જવા પર મકાન માલિક અથવા ભાડુઆતે આખી રકમ પર જીએસટી ચૂકવવો પડશે. સાથે જ ૨૦ લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર વાળી સોસાયટીને જીએસટી રજીસ્ટ્રેશનથી પણ મુકિત મળશે.

એએઆરે પોતાના ફેંસલામાં સ્પષ્ટતા કરી છે કે, હાઉસીંગ સોસાયટી દ્વારા લેવાતા પ્રોપર્ટી ટેક્ષ, વીજળી બીલ અને અન્ય કાયદેસરના ખર્ચને ૭૫૦૦ રૂપિયાના માસિક મેઇન્ટેનન્સ ચાર્જમાં નહી ગણાય. જો કે તેમાં સભ્યો પાસેથી લેવામાં આવેલ સીંકીંગ ફંડ, મકાન રીપેરીંગ ફંડ, ચૂંટણી અને શિક્ષણ ફંડની રકમને સામેલ કરવામાં આવશે કેમકે એ રિફંડ મળતી ડિપોઝીટ નથી.

(10:53 am IST)