Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

પત્નીની મંજૂરી વગર કોલ રેકોર્ડ કરવું એ ગોપનીયતાના અધિકારોનું ઉલ્લંઘન

પતિને હાઇકોર્ટની ફટકાર : કોલ રેકોર્ડિંગનેપુરાવા તરીકે સ્વીકાર કરવાનાઆદેશનેહાઇકોર્ટેફગાવ્યો

નવી દિલ્હી તા. ૧૧ : પત્નીને ક્રૂર દેખાડવા માટે તેણીની જાણ વગર કોલ રેકોર્ડ કરવા એ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે, જેને કોઈપણ સંજોગોમાં પ્રોત્સાહિત ન કરવું જોઈએ. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારવાના ફેમિલી કોર્ટના નિર્ણયને બાજુ પર રાખીને આ મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે.

હાઈકોર્ટમાં અરજી દાખલ કરતી વખતે મહિલાએ જણાવ્યું કે તેની અને તેના પતિ વચ્ચે વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને કારણે પતિએ ૨૦૧૭માં ભટિંડાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો. દરમિયાન તેણે પોતાની અને અરજદાર વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ પુરાવા તરીકે રજૂ કર્યું હતું.

ફેમિલી કોર્ટે આ વાત સ્વીકારી હતી, જે નિયમો અનુસાર યોગ્ય નથી. તેના પર પતિ તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેણે સાબિત કરવું પડશે કે પત્ની તેના પતિ સાથે ક્રૂર છે અને આ વાતચીત તેનો પુરાવો છે, પ્રમાણપત્ર સાથે. આવા કિસ્સામાં તે એવિડન્સ એકટ હેઠળ માન્ય છે.

હાઈકોર્ટે આના પર આશ્ચર્ય વ્યકત કર્યું અને કહ્યું કે કોઈ વ્યકિત કોઈના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે છે. જીવનસાથીની સંમતિ વિના તેની સાથે ફોન પરની વાતચીતનું રેકોર્ડિંગ એ ગોપનીયતાના અધિકારનો ભંગ છે. રેકોર્ડિંગ બાદ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરનાર પતિને હાઈકોર્ટે ફટકાર લગાવી હતી.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે આવી વાતચીત કે જેના વિશે અન્ય ભાગીદાર જાણતા ન હોય તેને પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં. હાઈકોર્ટે, ભટિંડાની ફેમિલી કોર્ટના નિર્ણયને બાજુ પર રાખીને, કેસમાં પુરાવા તરીકે રેકોર્ડિંગનો સમાવેશ કરવાના આદેશને રદ કર્યો, અને ફેમિલી કોર્ટને છૂટાછેડાની અરજી પર છ મહિનામાં નિર્ણય લેવાનો આદેશ પણ આપ્યો.

(10:50 am IST)