Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

જાપાનના વૈજ્ઞાનિકોની ટીમે અનોખુ માસ્ક તૈયાર કર્યું છે જેના પર કોરોના વાયરસ હશે તો અલ્ટ્રાવાયોલેટ લાઈટમાં ચમકશે

હવે માસ્ક પર કોરોના હશે તો અંધારામાં ચમકશે

ટોકીયો,તા. ૧૧: જાપાનના વૈજ્ઞાનિકોએ ઓસ્ટ્રિચ એન્ટિબોડીનો ઉપયોગ કરીને એક નવું ફેસ માસ્ક તૈયાર કર્યું છે જે અલ્ટ્રાવાયોલેટ લાઈટમાં ચમકીને કોવિડ-૧૯ને ડિટેકટ કરશે. આ માસ્કથી દ્યરે જ કોરોના ટેસ્ટ થઈ શકશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.

આ માસ્ક પર ઓસ્ટ્રિચ એન્ટીબોડી કોટેડ ફિલ્ટર હશે જે કોરોનાને ટાર્ગેટ કરશે. અગાઉના સંશોધનમાં જોવા મળ્યું છે કે ઓસ્ટ્રિચ (શાહમૃગ)માં ઘણી મજબૂત રોગપ્રતિકારક શકિત હોય છે. આ એન્ટીબોડી શાહમૃગના ઈંડાઓમાંથી લેવામાં આવી છે. આ એન્ટીબોડીને કોરોના વાયરસના નિષ્ક્રિય અને બિનજોખમી પ્રકારમાં દાખલ કરવામાં આવી હતી.

ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે વેસ્ટર્ન જાપાનની કયોટો પ્રીફેકચ્યુરલ યુનિવર્સિટીના યાસુહિરો સુકોતો અને તેમની ટીમે કરેલા એક નાના અભ્યાસમાં સહભાગીઓએ ફિલ્ટર્સ દૂર કરવામાં આવે તે પહેલાં આઠ કલાક માસ્ક પહેર્યા હતા અને કેમિકલ છાંટવામાં આવ્યું હતું જેથી જો કોવિડ હાજર હોય તો તે અલ્ટ્રાવાયોલેટ લાઈટમાં ચમકે છે.

સંશોધકોએ શોધી કાઢ્યું કે વાયરસથી સંક્રમિત લોકોએ જે માસ્ક પહેર્યું હતું તેની તેઓ નાક અને મોંની આસપાસ તે ચમકતા હતા. તેમણે જણાવ્યું હતું કે, વાયરસ ડિટેકટ કરવા માટે સ્માર્ટફોનની એલઈડી લાઈટનો પણ ઉપયોગ થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આશા વ્યકત કરી છે કે તેઓ એવા માસ્ક તૈયાર કરશે જે કોઈ સ્પેશિયલ લાઈટ વગર જાતે જ ચમકશે.

યુનિવર્સિટીના પ્રમુખ અને વેટરનિટી પ્રોફેસર સુકામોતોએ જણાવ્યું હતું કે, પીસીઆર ટેસ્ટ કરતાં તે પ્રારંભિક ટેસ્ટનું ખૂબ ઝડપી અને સીધું સ્વરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે તે સંભવિત રીતે વાયરસના એસિમ્પટમેટિક કેરિયર્સને શોધી શકે છે, જેઓ સ્વસ્થ લાગે છે કારણ કે તેમણે કદાચ ટેસ્ટ કરાવ્યો નથી.

સુકામોતો અને તેમની ટીમે કોરોનાના ૩૨ દર્દીઓ પર ૧૦ દિવસ સુધી પ્રયોગ કર્યો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે, માસ્કના માઉથ ફિલ્ટર પર કોરોના માટેની ઓસ્ટ્રિચ એન્ટીબોડી મૂકવામાં આવે છે જે ઉધરસ, છીંક અને પાણીમાં કોરોના વાયરસને પકડી પાડે છે. ત્યારબાદ ફ્લોરોસન્ટ ડાઈ-લેબલવાળા ઓસ્ટ્રિચ એન્ટિબોડી પર રિએકટ કરવામાં આવે છે અને વાયરસને પ્રકાશ સાથે ઈરેડિયેટ કરીને વિઝયુઅલાઈઝ કરવામાં આવે છે.

અમે એલઈડી અલ્ટ્રાવાયોલેટ બ્લેક લાઈટ અને સ્માર્ટફોનની એલઈડી લાઇટનો પ્રકાશ સ્ત્રોત તરીકે ઉપયોગ કરતી વખતે ઓસ્ટ્રિચ એન્ટિબોડી-વહન ફિલ્ટર પર વાયરસ એન્ટિજેનને જોવામાં પણ સફળ થયા. આનાથી દ્યરે પણ માસ્કનો ઉપયોગ કરવો સરળ બને છે. બીમારીનું વિઝયુલાઇઝેશન શકય છે.

(9:45 am IST)