Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

વધુ બે સરકારી બેંકનું કરાશે ખાનગીકરણ: સંસદમાં રજુ કરાશે બેંકિગ સુધારા બીલ

આવતા અઠવાડિયે સંસદના બંને ગૃહોમાં આ અંગે ચર્ચા થવાની શક્યતા

નવી દિલ્હી :સરકાર ટૂંક સમયમાં સંસદમાં બેંકિંગ (સુધારા) બિલ રજૂ કરશે. કેબિનેટમાંથી મંજૂરી મળવાનું લગભગ નિશ્ચિત છે. આવતા અઠવાડિયે સંસદના બંને ગૃહોમાં આ અંગે ચર્ચા થવાની શક્યતા છે. સરકારે જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી દીધી છે. સરકાર આ બિલને કાયદાકીય સ્વરૂપ આપવા માટે સંસદમાં લાવશે.

આમાં બેંકિંગ સંબંધિત બે કાયદામાં ફેરફાર કરવામાં આવશે, જેના દ્વારા સરકાર પોતાનો હિસ્સો વેચી શકશે. સરકાર આગામી સપ્તાહે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં કાયદામાં ફેરફારને મંજૂરી આપવાની યોજના ધરાવે છે. જે બાદ તેને સંસદના ટેબલ પર મૂકવામાં આવશે. અને ચાલુ શિયાળુ સત્ર દરમિયાન તેને પાસ કરાવવાની યોજના છે.

સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી બે જાહેર ક્ષેત્રની બેંકોમાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. એટલે કે સંસદમાંથી મંજૂરી મેળવવી, એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જારી કરવી, RFP જારી કરવી, આ પ્રક્રિયાઓ થવી જોઈએ. પછી ભલેને ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂરી કરવામાં આવતા વર્ષ સુધીનો સમય લાગે.

સરકારે આ બે બેંકોના નામની ભલામણ કરી દીધી છે, જેનું ખાનગીકરણ કરવામાં આવનાર છે. તેમાંથી ઈન્ડિયન ઓવરસીઝ બેંક મુખ્ય દાવેદાર છે. તેની સાથે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું નામ પણ તેમાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ સત્ર દરમિયાન રજૂ થનારા 26 બિલોમાંથી એક છે.

(12:55 am IST)