Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ચૂંટણી પહેલા અનામત કેસ પરત ખેંચાશે તો જશ કોના શિરે ? : નરેશભાઈ પટેલ, પાટીદાર આગેવાનો કે ભાજપના સાંસદો?:જશ લેવાની જામશે હોડ ?

છેલ્લા 6 વર્ષમાં પહેલીવાર સાંસદો અનામત કેસની રજૂઆત કરવા એકજુથ થઇ ગાંધીનગર પહોંચ્યા: વિધાનસભા ચૂંટણી 2022ના બ્યૂગલ ફૂંકાઈ છે ત્યારે અચાનક રાજકીય સળવળાટ : હાર્દિક પટેલ સામેના કેસ પાછા ખેંચાશે કે કેમ : અટકળનો દોર શરૂ

અમદાવાદ : ચૂંટણી પહેલા અનામત આંદોલન સમયેના કેસ પરત ખેંચાવવાની શકયતા ઉભી થઇ છે, આજે ભાજપના સાંસદો આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને બહુ જલ્દી આ પ્રશ્ને ઉકેલ આવે તેવી સંભાવના જણાવાઈ હતી વિધાનસભા ચૂંટણી 2022ના બ્યૂગલ અત્યાર ફુંકાઈ ચૂક્યા છે. ગુજરાતમાં ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીઓ મતનું રાજકારણ સમાજ આધારિત કરી રહી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના કેસ આ વખતની ચૂંટણીમાં મોટો મુદ્દો બની શકે. ભાજપની મજબૂત મનાતી વૉટબેંકમાં સેંધ લાગી શકે છે. પાટીદાર આગેવાન હોય કે નેતા જાણે આ મોકો છોડવા માગતો ન હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આનંદીબેન પટેલ સીએમ વખતે થયેલા કેસો હાલના પટેલ સીએમ પાસે પરત ખેંચવા રજૂઆત થઈ રહી છે. સમાજની માંગ છે તો પરત લેવાનો નિર્ણય કરવા આ બધુ કરવું પડે પણ સવાલ એક છે..જશ કોણ લઈ જાય.. નરેશ પટેલ અને આંદોલન સમયના પાટીદાર આગેવાનો કે પછી હાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મળેલા ભાજપના સાંસદો

પાટીદાર અનામત આંદોલનના કેસ પરતનો મુદ્દો રાજકીય રૂપ લઇ રહ્યો હોય તેમાં કોઈ નવાઈની વાત નથી. અનામત આંદોલનને 6 વર્ષ થયા બાદ કેસ પરત ખેંચવા તો અનેક વખત અનેક આગેવાનોએ રજૂઆતો કરી પણ કોઈ પાટીદાર સાંસદ કે નેતા સીએમને એકજુથ થી રજૂઆત કરવા પહોંચે એ આજે પહેલી વાર બન્યું. ત્યારે સવાલ થવો જરૂરી છે કે અત્યાર સુધી નહિ તો હવે કેમ ? જો કેસ પાછા લેવાની આખીય રાજનીતિને સમજીએ તો એક તરફ નરેશ પટેલ પાસના નેતાઓને સાથે રાખી પ્રેશર પોલિટીક્સ અપનાવી કેસો પાછા ખેંચવા રજૂઆતો પર રજૂઆતો કરી રહ્યા છે થોડા દિવસ પહેલા જ સી આર પાટિલને મળ્યા બાદ આ મામલે મુખ્યમંત્રીને પણ મળી ધારદાર રજૂઆત કરી ચૂક્યા છે. પટેલ સમાજમાં હાલ સ્થિતિએ જો કેસ પરત ખેચવાની રજૂઆત કરવાનો નંબર આવે તો નરેશ પટેલનો નંબર સૌથી પહેલો દેખાતો સાથે કદ પણ મોટું.. તો આનાથી ફર્ક શું પડે? કેસ પરત લેવાય તો એક જ હીરો અને એક જ નામ ગુંજ્યા કરે નરેશ પટેલ નરેશ પટેલ..તો નરેશ પટેલ પણ કેટલાય સમયથી પ્રેશર પોલિ ટ્રીક્સ અપનાવી રહ્યા છે. ચૂંટણી આવે એટલે સમાજ અને પક્ષ જવાની વાત આવે. હવે તો ચૂંટણી લડવા પણ સમાજ રજા આપે તો રાજકારણમાં ઝંપલાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે કદાચ જો નરેશ પટેલ ભાજપ સિવાય અન્ય પાર્ટીમાં જવાનું મન બનાવે તો ભાજપનો દાવ ઉધો પડે તેનો પણ ડર સતાવી રહ્યો હોય.

એક કહેવત છે કે રાજનીતિમાં કઈ પણ નક્કી નથી હોતું પણ નિર્ધારિત હોય છે.. અને આ પગલે જ્યારે પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાવવા જઈ રહ્યા છે તેનો જશ કોઈ એક વ્યક્તિ (નરેશ પટેલ) અને કોઈ પાટીદાર આગેવાનો ( દિનેશ બાંભણીયા, અલ્પેશ કથીરિયા) લઈ ન જાય એ માટે 6 વર્ષમાં પહેલી વાર પાટીદાર સાંસદો એક સાથે અનામત આંદોલનના તમામ કેસો પરત ખેચવા દિલ્હીથી સીધા જ અચાનક ગાંધીનગર પહોંચ્યા અને સીએમ સાથે બેઠક કરી પોતાનો 'મત' રજૂ કર્યો..આ રજૂઆતના 2 તથ્ય નીકળે 1) કેસ પરત ખેચવાની સરકાર કવાયત ચાલુ છે ત્યારે ચુંટણીમાં ઢોલ અને ઢંઢેરો પીટી કહી શકાય કે અમારી (સાંસદો)ની રજૂઆત પણ કામ લાગી 2)નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રી થાય તો સમાજ એક તરફી ન થઈ જાય કારણ કે અનામત કેસની રજૂઆતમાં સરકાર પર દબાણ લાવવા તેમની મહત્વની ભૂમિકા છે. ત્યારે સીએમ સાથે થયેલી મુલાકાતો પરથી સ્પષ્ટ તારણ નીકળે છે કે નરેશ પટેલ હોય કે પાટીદાર આગેવાન કે સાંસદ હોય કે અન્ય કોઈ નેતા કેસ પરત બાબતે જાણે જશ ખાંટવાની હોડ જામી હોય તેવું દેખાઈ રહ્યું છે.

(9:22 pm IST)