Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

ડોરંડા ટ્રેઝરી કેસ

ઝારખંડ હાઇકોર્ટે લાલુની જામીન અરજી ફગાવી દીધી

નવી દિલ્હી તા. ૧૧ : બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજદના અધ્યક્ષ લાલુ યાદવની જામીન અરજી ઝારખંડ હાઇકોર્ટે ફગાવી દેતાં જામીન પર બહાર આવાની લાલુ યાદની મનમુરાદ ફળી નથી.

હાઇકોર્ટે હવે પછી દોઢ મહિના બાદ સુનાવણી કરવાની તારીખ આપી હતી. ડોરંડા ટ્રેઝરીમાં ગેરકાયદે હેરફેર કરવાના આરોપમાં લાલુ યાદવ જેલમાં હતા. આમ તો લાલુ સામે અર્ધો ડઝન ગુનાઓની સજા હાલ અમલમાં છે. આ એમાંની એક સજા છે. લાલુ યાદવે અર્ધી સજા પૂરી કરી છે એવી દલીલ હેઠળ જામીન અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

લાલુના વકીલે સપ્લીમેન્ટરી એફિડેવિટ કરવા માટે વધુ સમયની માગણી કરી હતી. અત્યાર અગાઉ લાલુને ચારા કૌભાંડના ત્રણ કેસમાં જામીન મળી ચૂકયા હતા. એને કુલ ચાર કેસમાં જેલની સજા થઇ હતી. લાલુએ એ ચારે કેસના નીચલી અદાલતના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યા હતા. ત્રણ કેસમાં હાઇકોર્ટે જામીન આપ્યા હતા કારણ કે લાલુના વકીલે એવી અરજી કરી હતી કે લાલુએ અર્ધી સજા ભોગવી લીધી હતી.

ચોથા ડોરંડા ટ્રેઝરીના કેસની સુનાવણી આજે હતી. ડોરંડા ટ્રેઝરીમાંથી લાલુએ ગેરકાયદેસર રીતે ૧૩૯ કરોડ રૂપિયા કઢાવ્યા હતા.

(3:58 pm IST)