Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

IRCTC તરફથી 7 દિવસ અને 6 રાતના સમયગાળાનું રાજસ્થાનનું ટુરપેકેજ જાહેર કરાયુઃ ૧૬ હજારમાં ૭ દિવસની યાત્રા

મુંબઈ : જો તમે વર્ષના અંતમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હો તો IRCTC તમારા માટે જબરદસ્ત ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં તમને રાજસ્થાનની ટ્રિપ કરાવવામાં આવશે. રાજસ્થાન ફરવા માટે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો એકદમ યોગ્ય છે. IRCTC તરફથી 7 દિવસ અને 6 રાતના સમયગાળાનું ટુરપેકેજ જાહેર કરવામાં આવ્યું છે.આ પેકેજમાં જયપુર, જોધપુર, જેસલમેર અને બિકાનેરની ખાસ જગ્યાઓ પર ફેરવવામાં આવશે.

આ ટુર પેકેજ માટે 15 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી, 2020 વચ્ચે તમારે તમામ જરૂરી ડિટેલ (tourismjp@irctc.com) સાઇટ પર ભરવી પડશે. આ સિવાય 7728894720 નંબર ઉપર વોટ્સએપ પણ કરી શકાય છે. આ પેકેજ પ્રમાણે ભોજનથી માંડીને રહેવા સુધીની વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે. આમાં પહેલાં દિવસે જયપુર રેલવે, બસ સ્ટોપ કે પછી એરપોર્ટ પરથી પ્રવાસીને લઈને હોટેલ પહોંચાડવામાં આવશે. અહીં ફ્રેશ થયા પછી પહેલા દિવસનો પ્રવાસ શરૂ થઈ જશે. 

આ પેકેજમાં સ્ટાન્ડર્ડ ક્લાસ, ડિલક્સ ક્લાસ અને લક્ઝરી ક્લાસ એમ ત્રણ વિકલ્પો મળે છે. જો સ્ટાન્ડર્ડ ક્લાસમાં તમે એકલા પ્રવાસ કરો તો 41,680 રૂ., બે વ્યક્તિ પ્રવાસ કરો તો પ્રતિ વ્યક્તિ 21,650 રૂ. અને ત્રણ વ્યક્તિ ખર્ચ કરો તો પ્રતિ વ્યક્તિ 16,185 રૂ. ચુકવવા પડશે. ડિલક્સ ક્લાસમાં આ વિકલ્પો માટે અનુક્રમે 47,395 રૂ., 24,815 રૂ. તેમજ 18,645 રૂ. અને લક્ઝરી ક્લાસમા આ વિકલ્પો માટે અનુક્રમે 62,010 રૂ., 32,245 રૂ. તેમજ 24,970 રૂ. પ્રતિ વ્યક્તિ ચુકવવાની તૈયારી રાખવી પડશે.

(4:57 pm IST)