Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

છત્તીસગઢ-રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર જોવા ન મળી : ભારે નિરાશા

શાસન વિરોધી પરિબળોને રોકવામાં પ્રચાર છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ : વસુંધરા રાજેની વિરૂદ્ધ લોકોમાં રહેલી નારાજગી સ્પષ્ટપણે ઉભરી આવી છે છત્તીસગઢમાં પણ રાજસ્થાન જેવી સ્થિતિ : લોકસભા પહેલા નવા સમીકરણો

નવી દિલ્હી,તા. ૧૧ : રાજસ્થાન, છત્તિસગઢ અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આજે મતગણતરીની પ્રક્રિયા શરૂ થયા બાદ સાબિતી મળી ગઇ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હવે કોઇ લહેર જોવા મળી રહી નથી. કારણ કે મતગણતરી શરૂ થયા બાદ ભાજપને તમામ રાજ્યોમાં નુકસાનની શરૂઆત થઇ હતી અને છેલ્લે સુધી ભાજપની હાલત કફોડી રહી હતી. છત્તીસગઢમાં ભાજપની કારમી હાર થઇ હતી. બીજી બાજુ રાજસ્થાનમાં પણ સરકાર બચાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સફળતા હાથ લાગી ન હતી. કારણ કે, કોંગ્રેસ પાર્ટીએ આ વખતે સંગઠિત થઇને જોરદારરીતે ચૂંટણી લડી હતી. અશોક ગહેલોત અને સચિન પાયલોટની જોડીએ શાસનવિરોધી પરિબળો વચ્ચે જોરદાર દેખાવ કરીને પાર્ટીની તરફેણમાં માહોલ સર્જવામાં સફળતા મેળવી હતી. આજે ઇવીએમ મારફતે મતગણતરી થઇ હોવા છતાં મોડી સાંજ સુધી તમામ પરિણામો આવી શક્યા ન હતા. કોંગ્રેસ પાર્ટીને રાજસ્થાનમાં ૧૦૦ અને ભાજપને ૭૪ જેટલી સીટ મળી હતી. આવી સ્થિતિમાં અન્યોની ભૂમિકા પણ દેખાઈ રહી છે. મોદીએ ઝંઝાવતી પ્રચાર કરીને શાસનવિરોધી લહેરને બદલવાના પ્રયાસ કર્યા હતા પરંતુ પુરતી સફળતા મળી ન હતી. સાંકડા અંતરથી સાદી બહુમતિ સુધી પાર્ટીને પહોંચાડી શક્યા નથી. મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી હોવા છતાં ઇચ્છિત પરિણામ મળી રહ્યા નથી. મોદી અને યોગી તેમજ ભાજપ પ્રમુખ અમિત શાહે તમામ તાકાત લગાવી દીધી હતી. છતાં ઇચ્છિત પરિણામ ન મળતા નિરાશા ફેલાઇ ગઇ હતી. જો કે ભાજપે ત્રણેય રાજ્યોમાં જોરદાર શાસન વિરોધી પરિબળ હોવા છતાં સ્થિતી મજબુત કરી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેની જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. જો કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના દમ પર રાજસ્થાનમાં સરકાર બનાવવા માટેની સાદી બહુમતી સુધીની બેઠકો પર લીડ મેળવી લીધી હતી. પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને રાજકીય પંડિતો સેમીફાઇનલ સમાન ગણી રહ્યા હતા. આ સેમીફાઇનલમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતી મજબુત દેખાઇ રહી છે. આજે પરિણામ આવવાની શરૂઆત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ ંમાટે ચિંતાની શરૂઆત થઇ ગઇ હતી. સ્થાનિક મુદ્દા પણ આ વખતે હતા. રાજસ્થાનમાં વસુન્ધરા રાજે સરકારની સામે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી  જોવા મળી રહી હતી.

 

(9:02 pm IST)