Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ફુડ કંપની ઝોમાટોના ડિલીવરીબોયે જ જમવાનું પહોંચાડતા પહેલા ‘જમી' લીધુ

ફૂડ ડિલિવરી કંપની Zomato એ પોતાના ડિલિવરી બોયે કરેલી કરતૂતને અસમાન્ય ઘટના ગણાવી દીધી છે. કંપનીના ફાઉન્ડર દીપિન્દર ગોયલે એક બ્લોગમાં લખ્યું છે કે કંપનીએ તે વ્યક્તિને નોકરીથી દૂર કરી દીધી છે. ગોયલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, “અમે તે વ્યક્તિ સાથે લાંબી વાતચીત કરી અને તેને અમારા પ્લેટફોર્મથી દૂર કરી છે.” તેમણે કહ્યું કે ઝોમાટોની નીતિ છે કે ખાવાના પેકેટ સાથે છેડછાડની ઘટના બીલકુલ ચલાવી લેવામાં ના આવે.

ફાઉન્ડરની પ્રતિક્રિયા

તેમણે એ પણ કહ્યું કે, કંપની આગળથી નવી રીતે પેકિંગ કરશે કે જેથી કોઈ છેડછાડ ના કરી શકાય. કંપનીના ફાઉન્ડરે કહ્યું કે કંપનીની તપાસમાં એ જાણવા મળ્યું છે કે આ ઘટના મદુરઈની છે.

તેમણે એક બ્લોગમાં લખ્યું છે કે, ઝોમાટો ટી-શર્ટ પહેરેલા ડિલિવરી એક્ઝિક્યુટિવ પાસે ડિલિવરી બેગ છે. તે પેકેટ ખોલીને ખાઈ રહ્યો છે અને ફરી તેને બંધ કરીને બેગમાં મૂકી રહ્યો છે. આ વીડિયોથી ખ્યાલ આવે છે કે તે ડિલિવરી માટે જઈ રહ્યો હતો અને રસ્તામાં યુઝર્સને ડિલિવરી કરવામાં આવનાર હતું તે ભોજન ખાધું. તેમણે કહ્યું અમે આ પ્રકારની ખબરોને ગંભીરતાથી લઈએ છીએ.

સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટીકા

નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોતાના સ્કૂટર પર ડિલિવરી બેગમાંથી ખાવાનું પેકેટ કાઢીને ખાઈ રહ્યો છે અને પછી તેને બંધ કરીને બેગમાં મૂકે છે. અઢી મિનિટથી લાંબો આ વીડિયો કોઈએ પોતાની ઘરની છત પરથી શૂટ કર્યો છે. ઝોમાટોનો આ ડિલિવરી બોય રસ્તાની બાજુએ પોતાનું સ્કૂટર ઉભું રાખીને એક પછી એક પેકેટ ખોલીને તેમાંથી ખાવાનું કાઢીને ખાઈ રહ્યો છે. આ વીડિયો સાર્વજનિક થવાથી ઝોમાટોને લોકો ખરું-ખોટું સંભળાવી રહ્યા છે. ટ્વીટર પર લોકો ઝોમાટો પર ફિટકાર વરસાવી રહ્યા છે.

(5:04 pm IST)