Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પાકિસ્તાનની ટિપ્પણીથી રવિશંકર ખફા : સલાહની અમને જરૂર નથી

પાકિસ્તાની અધિકારીઓ સાથે બેઠક થઇ હોવાની કોંગ્રેસની કબૂલાત : પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે તે બાબતથી બધા લોકો વાકેફ છે : ભાજપ પોતાના દમ ઉપર ચૂંટણી લડે છે : લોકશાહી ઉપર ગર્વ છે

નવીદિલ્હી, તા. ૧૧ : કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદે આજે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાની દરમિયાનગીરીને  ઘૃણાસ્પદ તરીકે ગણાવી હતી. રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે પાકિસ્તાનને ભારતને સલાહ આપવાની કોઇ જરૂર નથી. પાકિસ્તાનની ટિપ્પણીથી નારાજ થયેલા પ્રસાદે કહ્યુ હતુ કે પાકિસ્તાનની ટિપ્પણી બિલકુલ અયોગ્ય છે. રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે પાકિસ્તાનની દેશના આંતરિક મામલામાં કોઇ રીતે દરમિયાનગીરીને ચલાવી લેવાશે નહી. પાકિસ્તાન ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે તે બાબત તમામ લોકો જાણે છે. જેથી પાકિસ્તાનની દરમિયાનગીરીને કોઇ કિંમતે સ્વીકાર કરવામાં આવનાર નથી. ભાજપ પોતાની રીતે ચૂંટણી લડી શકે છે અને જીતી શકે છે. અમને અમારી લોકશાહી પર ગર્વ છે. તેઓ આ અયોગ્ય નિવેદનની ટીકા કરે છે. આ પહેલા પાકિસ્તાને ગુજરાત ચૂંટણીમાં પોતાનું નામ આવ્યા બાદ રાજકીય ગતિવિધિ વધી ગઈ હતી અને પાકિસ્તાને આ સમગ્ર મામલામાં તેના કોઇ લેવા દેવા હોવાનો ઇન્કાર કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, પોતાની ચૂંટણી ચર્ચામાં પાકિસ્તાનને ખેંચી કાઢવાની બાબત યોગ્ય દેખાતી નથી. કાવતરા કરવા જોઇએ નહીં. આ તમામ વિવાદ એ વખતે સપાટી પર આવ્યો હતો જ્યારે વડાપ્રધાન મોદીએ રવિવારના દિવસે ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાકિસ્તાનની સાથે મળીને ચૂંટણી લડી રહી છે. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરના આવાસ પર પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી અને હાઈકમિશનરની સાથે કોંગ્રેસી નેતાઓએ બેઠક યોજી હતી. આ સમગ્ર મામલામાં શરૂઆતમાં કોંગ્રેસે મિટિંગનો ઇન્કાર કર્યો હતો પરંતુ આખરે મિટિંગ થઇ હોવાની વાત કબૂલી લીધી છે. કોંગ્રેસે યુ ટર્ન લઇને આજે કહ્યું હતું કે, અય્યરના આવાસ પર ડિનર બેઠક થઇ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ આજે કહ્યું હતું કે, સરકાર અને એજન્સીઓથી અમને પરવાનગી લેવાની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યં હતું કે, મોદીએ આ મામલાને મુદ્દો બનાવવા બદલ માફી માંગવી જોઇએ. રસપ્રદ બાબત એ છે કે, આનંદ શર્માએ જ એક દિવસ પહેલા પાકિસ્તાની રાજદ્વારીઓ સાથે મિટિંગના આરોપોને રદિયો આપ્યો હતો પરંતુ આજે આનંદ શર્માએ આ વાત કબૂલી લીધી હતી. આ અગાઉ ભારતીય સેનાના પૂર્વ અધ્યક્ષ દિપક કપૂરે પણ બેઠક થઇ હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ આ બેઠકમાં હાજર હતા. જો કે, દિપક કપૂરે આ બેઠકમાં ગુજરાત ચૂંટણીને લઇને ચર્ચા થઇ હોવાના અહેવાલને રદિયો આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ બેઠકમાં માત્ર ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઇને ચર્ચા થઇ હતી.

(8:31 pm IST)