Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મતદારોને આકર્ષવા મોદી, હાર્દિક અને રાહુલ સહિતના સ્ટાર પ્રચારકો અમદાવાદ આવશે

સ્ટાર પ્રચારકો ઉતર્યા મેદાનમાં

અમદાવાદ તા. ૧૧ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા સ્ટાર પ્રચારકો અમદાવાદ આવશે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લામાં વિધાનસભાની ૨૧ સીટો છે. આ તમામ બેઠકો પર મતદારોને આકર્ષવા માટે PM મોદી, રાહુલ ગાંધી અને PAAS કન્વીનર હાર્દિક પટેલ અમદાવાદમાં સભા યોજશે.

મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જનસભાને સંબોધશે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫માં ચાઈનીઝ રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે આવ્યા બાદથી તેઓ અહીં મુલાકાત માટે આવ્યા નહોતા. આજે રાત્રે ૮ વાગે યોજાનારી મોદીની આ જનસભા અમદાવાદમાં તેમની સૌથી મોટી જનસભા હશે. નોંધનીય છે કે ભાજપ શહેરની ૧૬માંથી ૧૪ સીટો પર કબજો ધરાવે છે પરંતુ આ વખત તેઓ તમામ સીટો જીતવા માટે કટિબદ્ઘ છે.

હાર્દિક પટેલે પણ બોપલથી નિકોલ સુધી જોરદાર રોડશો યોજવાની યોજના બનાવી છે. આ રોડશો શહેરના ૯૭ વિસ્તારોમાંથી પસાર થઈને નિકોલ જઈને જાહેર સભામાં પલટાઈ જશે. નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલમાં હિંસાત્મક બનાવો બન્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર આ રોડશોમાં સામેલ થવા માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્ત્।ર ગુજરાતથી પણ ઘણા લોકો આવશે.

જયારે બીજી તરફ રાહુલ ગાંધી અમદાવાદ જિલ્લાના વિરમગામમાં જાહેર સભા યોજશે. આ સિવાય સોમવારે સાંજે તેઓ ગાંધીનગરમાં પણ જાહેર સભા સંબોધશે. રાહુલ ગાંધી આજે વિરમગામની મુલાકાત લેશે. નોંધનીય છે કે વિરમગામ એ પાટીદાર નેતા હાર્દિક અને OBC, SC,  ST(OSS) એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરનું હોમટાઉન છે.

(3:47 pm IST)