Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સ્કૂલના પ્રિન્સીપાલ કડવા પટેલ પ્રૌઢનો પત્નિ સાથે આપઘાત

દેવપરા પાસે મહેશ્વરી સોસાયટીમાં બનાવઃ હરેશભાઇ મોરડીયા (ઉ.૫૦) અને રમિલાબેન મોરડીયા (ઉ.૪૫) સજોડે ઝેર ગટગટાવી ગયા : લવમેરેજ કરનાર પુત્રની પત્નિએ થોડા દિવસ પહેલા જ મહિલા પોલીસમાં અરજી કરી'તીઃ પુત્ર હાલ કયાં છે એ કોઇને ખબર નથીઃ પુત્ર-પુત્રવધૂના ઝઘડાને કારણે પગલું ભર્યાની શંકાઃ સવારે મોડે સુધી ઘર બંધ હોઇ પડોશી યુવાનને શંકા જતાં દરવાજો તોડીને જોતાં લાશ મળીઃ મોરડીયા પરિવારમાં કલ્પાંત

દંપતિએ સજોડે ઝેર પી દમ તોડ્યો : દેવપરા પાસે મહેશ્વરી સોસાયટીમાં કડવા પટેલ દંપતિ હરેશભાઇ મોરડીયા અને રમિલાબેન મોરડીયાએ સજોડે ઝેર પી દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તસ્વીરમાં જ્યાં બનાવ બન્યો તે ઘર, અંદર બંંનેના મૃતદેહ, બંનેના ફાઇલ ફોટો તથા ઘર પાસે ભેગા થયેલા લોકો, તપાસ કરતી પોલીસ અને છેલ્લે વિલાપ કરતી દિકરી રિધ્ધી પ્રિન્સ અઘેરા જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

              રાજકોટ તા. ૧૧: શહેરના કોઠારીયા રોડ પર દેવપરા શાક માર્કેટ પાસે મહેશ્વરી સોસાયટી-૨માં મહેશ્વરી મહાદેવ મંદિરની સામે જ રહેતાં અને ખાનગી શાળામાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતાં કડવા પટેલ પ્રૌઢ હરેશભાઇ શંકરભાઇ મોરડીયા (ઉ.૫૦)એ તેમના ધર્મપત્નિ રમિલાબેન હરેશભાઇ મોરડીયા (ઉ.૪૫) સાથે કપાસમાં છાંટવાની દવા ગટગટાવી સજોડે જિંદગીનો અંત આણી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. લેઉવા પટેલ યુવતિ સાથે લવમેરેજ કરનાર આ દંપતિનો પુત્ર હાલ અલગ રહે છે અને દિકરાની ઘરવાળીએ થોડા દિવસ પહેલા જ મહિલા પોલીસમાં અરજી કરી હતી. પુત્ર-પુત્રવધૂની માથાકુટને કારણે આ પગલું ભર્યાનું હાલ પોલીસનું તારણ છે. બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મહેશ્વરી સોસાયટી-૨માં રહેતાં અને દૂધની ડેરી પાસે લાખેશ્વર સોસાયટી-૨માં આવેલી ઓલમાઇટ સ્કૂલમાં ચારેક વર્ષથી પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતાં હરેશભાઇ મોરડીયા અને તેમના પત્નિ રમિલાબેન મોરડીયા સવારના પોણા અગિયાર સુધી બહાર ન નીકળતાં અને ઘર પણ બંધ દેખાતાં પડોશી ઉમંગ ગોસ્વામીને શંકા જતાં તેણે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોઇએ દરવાજો ન ખોલતાં બીજા પડોશીઓને બોલાવી બાજુમાં નવા બનતા મકાન પરથી હરેશભાઇની અગાસીએ જઇ નીચે ઉતરી દરવાજો તોડીને જોતાં હરેશભાઇ અને તેમના પત્નિ રમિલાબેન બેડરૂમમાં પલંગ નીચે બેભાન પડેલા અને મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં મળતાં ૧૦૮ને અને પોલીસને જાણ કરાઇ હતી. ઇએમટી તબિબની તપાસમાં બંને મૃત્યુ પામ્યાનું ખુલતાં ભકિતનગરના પી.એસ.આઇ. એમ. ડી. વાળા, એએસઆઇ મનહરદાન ગઢવી, નિલેષભાઇ મકવાણા, રણછોડભાઇ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં બંને પતિ-પત્નિએ મોનોકોટો દવાની બે બોટલમાંથી ગ્લાસમાં દવા કાઢીને પી લીધાનું બહાર આવ્યું હતું. પોલીસે ઘરમાં તપાસ કરી હતી પણ કોઇ ચિઠ્ઠી મળી આવી નથી. ઘટનાની જાણ થતાં આપઘાત કરનાર હરેશભાઇના સગા-સબંધીઓ દોડી આવ્યા હતાં. સરધારથી તેમની દિકરી રિધ્ધી પ્રિન્સ અઘેરા, વેવાઇ બાબુભાઇ અઘેરા, જમાઇ સહિતના દોડી આવ્યા હતાં. દિકરી રિધ્ધીએ કહ્યું હતું કે તેનો મોટો ભાઇ જુગલ અલગ રહે છે. તેણે છ મહિના પહેલા જ લેઉવા પટેલ યુવતિ સાથે લવમેરેજ કર્યા છે. જો કે થોડા સમય પહેલા જ તેના ભાભી માવતરે જતાં રહ્યા છે અને ભાઇ પણ તેની રીતે ગમે ત્યાં રહે છે. ભાભીએ થોડા દિવસો પહેલા મહિલા પોલીસમાં અરજી પણ કરી હતી.

હરેશભાઇ અને રમિલાબેનને આપઘાત કરવો પડે તેવું કોઇ બીજુ કારણ સામે આવ્યું નથી. પણ દિકરા અને તેની ઘરવાળીની માથાકુટને કારણે બંનેને માઠુ લાગી જતાં આ પગલું ભર્યાની શકયતા છે. પુત્ર જુગલનો સંપર્ક થયા બાદ વધુ વિગતો બહાર આવશે. પોલીસે પંચનામુ કરી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે. આ ઘટનાથી કડવા પાટીદાર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. પોલીસે જેમાંથી ઝેર પીવામાં આવ્યું તે બંને બોટલ કબ્જે લીધી છે. ઝેર રાત્રીના પી લીધાનું મૃતદેહોને જોતાં પ્રાથમિક તારણ નીકળ્યું હતું.

બે માસ પહેલા જેણે કન્યાદાન આપ્યું એ માતા-પિતાના મોતથી દિકરી રિધ્ધી હતપ્રભ

આપઘાત કરનાર દંપતિનો પુત્ર જૂગલ જે મળ્યા બાદ વધુ વિગતો ખુલશે

. આપઘાત કરનાર હરેશભાઇ અને રમિલાબેને હજુ બે મહિના પહેલા જ લાડકી દિકરી રિધ્ધીને સાસરે વળાવી કન્યાદાન આપ્યું હતું. જેના હાથની હજુ મહેંદી પણ સુકાઇ નથી એ દિકરીએ આજે માતા-પિતા બંનેને એક સાથે ગુમાવતાં તે આઘાતમાં ગરકાવ થઇ હતપ્રભ થઇ ગઇ હતી

દૂધની ડેરી પાસેની ઓલમાઇટ સ્કૂલમાં ફરજ બજાવતા હતાં: ઘર પર મંત્રીશ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ-કિસાન સેલનું બોર્ડ

. પત્નિ સાથે આત્મહત્યા કરી લેનાર હરેશભાઇ મોરડીયા દૂધની ડેરી પાસે લાખાજીરાજ સોસાયટીમાં આવેલી ઓલમાઇટ સ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતાં હતાં. પોતાના મળતાવડા અને સરળ સ્વભાવને કારણે સ્ટાફમાં અને છાત્રોમાં પણ સારી ચાહના ધરાવતાં હતાં. તેમના નિવાસ સ્થાન પર મંત્રીશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ-કિસાન સેલનું બોર્ડ પણ લગાવેલું છે. તે કોંગ્રેસ કાર્યકર હતાં

આપઘાત કરનાર બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં: સંતાનમાં એક પુત્ર અને એક પુત્રીઃ પુત્ર અલગ રહે છે

. ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લઇ પત્નિ સાથે જિંદગીનો અંત આણી લેનારા હરેશભાઇ મોરડીયા બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેના નાના ભાઇ ગિરીશભાઇ સુરેન્દ્રનગર અને બહેન કૈલાસબેન મુળી રહે છે. સંતાનમાં પુત્ર જુગલ અને પુત્રી રિધ્ધી છે. પુત્ર અલગ રહે છે અને પુત્રી રિધ્ધી પ્રિન્સ અઘેરા સરધાર સાસરે છે. ઘટનાથી સ્વજનો ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા છે.

પડોશી ઉમંગ ગોસ્વામીએ દરવાજો ખખડાવ્યો, ન ખોલાતાં નવા બનતા મકાનેથી અગાસીઅ જઇ નીચે ઉતરીને દરવાજો તોડ્યો

. હરેશભાઇ અને તેમના પત્નિ રમિલાબેન દરરોજ સવારે વહેલા ઉઠી જવાની ટેવ ધરાવતાં હતાં. પરંતુ આજે સવારે સાડા દસ સુધી ઘર બંધ હોઇ પડોશી ઉમંગ ગોસ્વામીને શંકા જતાં બીજા લોકોને બોલાવી દરવાજો ખખડાવ્યો હતો. નહિ ખોલાતાં બાજુમાં નવા બનતા મકાનમાંથી થઇ હરેશભાઇની અગાસીએથી નીચેના માળે પહોંચી દરવાજો તોડીને જોતાં અંદર બેડરૂમમાં બંને પતિ-પત્નિની લાશ જોવા મળી હતી. બંનેના મોઢામાંથી ફીણ નીકળેલા દેખાયા હતાં.

બે બોટલમાંથી ગ્લાસમાં ઝેર કાઢીને પીધું

પતિ-પત્નિએ ઝેરી દવાની બે બોટલોમાંથી બે જુદા-જુદા ગ્લાસમાં દવા કાઢીને પી લીધાનું રૂમમાંથી મળેલી બે બોટલો અને બે દવાવાળા ગ્લાસ પરથી પોલીસનું માનવું છે.

રવિવારે સાંજે સરધાર રહેતાં વેવાઇ સાથે ફોનમાં હસી-ખુશીથી વાત કરી દિકરીનું ધ્યાન રાખવા ભલામણ કરી

. હરેશભાઇ મોરડીયાએ અને તેમના ધર્મપત્નિ રમિલાબેને ગઇકાલે સાંજે જ આત્મહત્યા કરી લેવાનો નિર્ણય કરી લીધો હોય તેમ સાંજે સરધાર ખાતે વેવાઇ બાબુભાઇ અઘેરાને ફોન કર્યો હતો અને હસી-ખુશીની વાતો કરી હતી. તેમજ પોતાની દિકરી રિધ્ધીનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી. તેમજ દિકરી સાથે પણ ખુશીથી વાતો કરી હતી. તે આ પગલું ભરશે તેવી કોઇને અણસાર પણ આવી નહોતી.

(3:19 pm IST)