Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ગુજરાત ચૂંટણી જંગ

પાક.એ કહ્યું, અમને વચ્ચે ન લાવોઃ પોતાના દમ પર જીતો

નવી દિલ્હી તા. ૧૧ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાનની દખલના પીએમ મોદીના આરોપો બાદ રાજકીય રંગ ઝડપથી પકડાતા પાકિસ્તાને આખા કેસથી જ છેડો ફાડી નાંખ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ડો.મોહમ્મદ ફૈસલ એ ટ્વીટ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દખલ કરવાના આરોપો પર કહ્યું કે પોતાની ચૂંટણી ચર્ચામાં ભારતે પાકિસ્તાનને ઘસેડવાનું બંધ કરવું જોઇએ. ષડયંત્રની જગ્યાએ પોતાના દરમ પર ચૂંટણી જીતી જીતવાનો પ્રયાસ કરે. આવા આરોપ પાયાવિહોણા અને ગેરજવાબદાર છે.

પીએમ મોદીએ રવિવારના રોજ ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં સમયે કહ્યું હતું કે કોંગ્રેસ પાકિસ્તાનની સાથે મળીને ચૂંટણી લડી રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના ઘર પર પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને હાઇકમિશનની સાથે કોંગ્રેસ નેતાઓની મીટિંગ થઇ હતી. કોંગ્રેસે પીએમ મોદીના એ આરોપોનું ખંડન કરતાં મીટિંગ થયાની વાતની જ ના પાડી દીધી હતી, પરંતુ હવે પૂર્વ આર્મી ચીફ દીપક કપૂરની તરફથી મીટિંગ થયાની પુષ્ટિ કર્યા બાદ કોંગ્રેસનો દાવો ખોટો પડ્યો છે.

જો કે દીપક કપૂરે ચોક્કસ કહ્યું કે આ મીટિંગમાં ભારત અને પાકની વચ્ચે સંબંધો પર જ ચર્ચા થઇ. તેમાં ગુજરાત ચૂંટણીને લઇ કોઇ વાત થઇ નથી. કપૂરના આ નિવેદન પરથી સ્પષ્ટતા તો થઇ કે ઐયરના ઘરે મીટિંગ થઇ હતી, જયારે કોંગ્રેસના સિનિયર લીડર આનંદ શર્માએ આવી કોઇપણ બેઠક થઇ હોવાનો ઇન્કાર કર્યો હતો.

સૂત્રોના મતે આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહ, પૂર્વ સેનાધ્યક્ષ દીપક કપૂર, પૂર્વ રાજદૂત સલમાન હૈદર, ટીસીએ રાઘવ, શરત સભરવાલ, અને કે.શંકર બાજપેયી હાજર હતા. બાજપેયી, રાઘવન અને સભરવાલ પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશન પણ રહી ચૂકયા છે.

રવિવારના રોજ પીએમ મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન આ મુદ્દાને ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ રેલીમાં કોંગ્રેસમાંથી સસ્પેન્ડ નેતા મણિશંકર ઐયર પર નિશાન સાંધતા કહ્યું હતું કે આખરે પાકિસ્તાની હાઇ કમિશનની સાથે ગુપ્ત બેઠક કેમ કરવામાં આવી હતી. આખરે કેમ ત્યારબાદ પાકિસ્તાનના ઉચ્ચ પદો પર બેઠેલા લોકો ગુજરાતમાં પેટલને સીએમ બનાવા માટે સહયોગની પહેલ કરી રહ્યાં છે.(૨૧.૨૨)

(3:57 pm IST)