Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સુરક્ષા, ટ્રાફિકજામ, સંવેદનશીલ વિસ્તારને કારણે

અમદાવાદમાં મોદી, રાહુલ અને હાર્દિકને રોડશોની મંજૂરી ન મળી

અમદાવાદ તા. ૧૧ : આવતી કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શોને અમદાવાદ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. મોદી અને રાહુલના રોડ શોનો રૂટ સંવેદનશીલ વિસ્તારો પસાર થતો હોઈ, કોટ વિસ્તારમાં માર્ગ સાંકડા હોવાથી તેમજ કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકના પ્રશ્નને લઈ પોલીસ કમિશનરે મંજૂરી આપી ન હતી. જોકે ભાજપ આવતી કાલે વડાપ્રધાન મોદીના મેગા રોડ શોને યોજવા અંગે મોડી સાંજે પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા બાદ રૂટને બદલી અન્ય રૂટ પર રોડ શો યોજી શકે છે.

વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ અગાઉ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઝંઝાવાતી પ્રચારની તૈયારી કરવામાં આવી છે. ભાજપ દ્વારા આવતી કાલે અમદાવાદની સાત વિધાનસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેગા રોડ શોની તૈયારી શરૂ કરવામાં આવી હતી. વાસણાના ધરણીધર દેરાસરથી એલિસબ્રિજ, વેજલપુર, દાણીલીમડા, દરિયાપુર, જમાલપુર-ખાડિયા બાપુનગર સહિતની વિધાનસભાને આવરી લેતા વિસ્તારમાં વડા પ્રધાન મોદીના અત્યાર સુધીના મેગા રોડ શો કરતા પણ ભવ્ય મેગા રોડ શોની તૈયારીઓ કરવામાં આવી હતી.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ અમદાવાદમાં રાહુલ ગાંધીના રોડ શો અને કોર્નર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જમાલપુર જગન્નાથ મંદિરથી મેમ્કો ચાર રસ્તા સુધી રોડ શો અને કોર્નર મિટિંગનું આયોજન કોંગ્રેસ મોવડી મંડળે કર્યું હતું. રોડ શો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોલીસ પરમિશન માંગવામાં આવી હતી.

અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંદ્યે ગઈકાલે મોડી રાતે ભાજપ અને કોંગ્રેસના રોડ શોને મંજૂરી આપી નથી. શહેર પોલીસના જણાવ્યા મુજબ રોડ શો અને કોર્નર મિટિંગ માટે જે રૂટ માટેની મંજૂરી માંગવામાં આવી હતી. ચાલુ દિવસ હોવાથી અતિ વ્યસ્ત અને ભરચક બજાર હોવાથી સામાન્ય લોકોને તકલીફ પડે તેમ છે. ઉપરાંત રોડ શોનો રૂટ કોટ વિસ્તારમાંથી પસાર થવાનો છે જેમાં સાંકડા રસ્તા અને અતિ સંવેદનશીલ વિસ્તારો છે. ટ્રાફિક, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મંજૂરી આપવામાં આવી નથી.

(1:54 pm IST)