Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર મોંઘીદાટઃ પાંચમાંથી એક પરિવાર ઉધાર લઇને કે પ્રોપર્ટી વેચીને ચુકવે છે બીલ

ચોંકાવનારો રિપોર્ટઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને ઇલાજ માટે અન્યોના મુકાબલે વધુ પૈસા આપવા પડે છેઃ આસામમાં ઇલાજ સૌથી મોંઘોઃ યુપી કરતા સારવારમાં ગુજરાતની હોસ્પિટલનું બીલ ચારગણુ વધારે ચુકવવુ પડે છે

નવી દિલ્હી તા.૧૧ : પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવાનું સતત મોંઘુ થઇ રહ્યુ છે. ઇલાજના નામ પર હોસ્પિટલો દ્વારા થઇ રહેલા ગોરખધંધાનો પણ રોજેરોજ પર્દાફાશ થઇ રહ્યો છે. આ દરમિયાન એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કે કોઇ હોસ્પિટલમાં ઇલાજ કરાવવા માટે લોકોને અનેક વખત પોતાની પ્રોપર્ટી વેચવાની ફરજ પડી છે અથવા તો અનેક વખત તેઓએ ઉધાર પૈસા લેવા પડયા છે. આ વાત સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઇન્ટેલીજન્સ દ્વારા જારી કરવામાં આવેલા નેશનલ હેલ્થ પ્રોફાઇલ ર૦૧૭માં સામે આવી છે.

રિપોર્ટ અનુસાર ગામડુ હોય કે શહેર બંને જગ્યાએ ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ થવાનુ ઘણુ મોંઘુ થઇ ગયુ છે. શહેરમાં રહેતા દર પાંચમાંથી એક પરિવારે ઉધાર લઇને હોસ્પિટલનું બીલ ચુકવ્યુ છે અનેક કેસમાં ઓળખીતાઓ પણ મદદ કરતા હોય છે.

રિપોર્ટ અનુસાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ઇલાજ માટે બાકીના મુકાબલે વધુ પૈસા આપવા પડે છે. શહેરી વિસ્તારોમાં આસામ સૌથી મોંઘુ છે.

ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં જો કોઇ વ્યકિત હોસ્પિટલમાં દાખલ થાય તો તેણે ૩રપ૦૦ ખર્ચ કરવા પડે છે. જે યુપી કરતા ચારગણા વધારે છે. એ જ વ્યકિત જો આસામની હોસ્પિટલમાં દાખલ થાય તો તેને પર૩૬૮ રૂપિયા ચુકવવા પડે જે દિલ્હી કરતા સાત ગણા વધારે છે.

રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારમાં રહેતા ર૦ ટકા જેટલા લોકો દેવુ કરીને કે પ્રોપર્ટી વેચીને હોસ્પિટલના બીલ ભરે છે.

(12:34 pm IST)