Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મારી ગેરકાયદે ઘરપકડ કરાઈ અને જેલમાં ખૂબ જ અત્યાચાર ગુજારાયો : સંજય રાઉતે લગાવ્યો આરોપ

શિવસેના નેતાએ કહ્યું - હું ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળીશ, મારો જેલનો અનુભવ અને મારી સામે કેવી કાર્યવાહી કરવામાં આવી. હું તેમને જણાવીશ

મુંબઈ :પાત્રા ચાલ કૌભાંડ કેસમાં જામીન પર મુક્ત થયેલા શિવસેનાના નેતા સંજય રાઉતે  કહ્યું હતું કે, “મને જેલમાં ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. હું ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળીશ, મારો જેલનો અનુભવ અને મારી સામે કેવી કાર્યવાહી કરવામાં આવી. હું તેમને જણાવીશ. .”

તેમણે કહ્યું હતું કે, “રાજકીય દ્વેષના કારણે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા તાજેતરના વર્ષોમાં દેશમાં થયેલી ધરપકડોની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ અથવા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઉદય લલિતની અધ્યક્ષતામાં થવી જોઈએ. વિપક્ષ આગામી સમયમાં આ મુદ્દે શિયાળુ સત્રમાં ઉઠાવશે”

શિવસેનાના નેતાએ વધુમાં કહ્યું હતું કે, “મારી ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે. પાત્રાચાલ સાથે મારો કોઈ સંબંધ નથી. હું કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું સ્વાગત કરું છું. દેશ બંધારણના દાયરામાં ચાલે છે, તેનું રક્ષણ કરવું આપણા બધાનું કામ છે, પરંતુ હાલમાં બંધારણનો ભંગ થઈ રહ્યો છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉત મુંબઈની કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યા હતા. કથિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ સંજય રાઉત પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. રાઉતે કહ્યું હતું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમની જેલવાસ દરમિયાન પરિવારના સભ્યો સાથે ઉભા હતા. સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ વર્ષે 1 ઓગસ્ટના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી રાઉત મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતા

(8:40 pm IST)