Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઉદય કાનગડ - ડો. દર્શિતાબેન - રમેશ ટીલાળા - ભાનુબેનને ટિકિટ

રાજકોટ ભાજપમાં નવો ઉદય : ત્રણ બેઠકમાં નવા ચહેરા : એકમાં જુના જોગી : રાજકોટ-૬૮માં રૈયાણીના બદલે ઉદય કાનગડ : રાજકોટ-૬૯માં વિજય રૂપાણીના બદલે ડો. દર્શિતાબેન શાહ : રાજકોટ ૭૦માં ગોવિંદભાઇ પટેલના બદલે રમેશભાઇ ટીલાળા તથા રાજકોટ ૭૧માં લાખાભાઇ સાગઠિયાના સ્‍થાને ભાનુબેન બાબરીયા : પૂર્વની બેઠક ઓબીસી સમાજના ફાળે : પશ્ચિમમાં પ્રથમ વખત મહિલાને સ્‍થાન : ગ્રામ્‍યમાં પાંચ વર્ષના બ્રેક બાદ ફરી એજ મહિલા ઉમેદવારઃ પ્રથમ વખત બે મહિલા કોર્પોરેટર વિધાનસભાની ચૂંટણી લડશે : દક્ષિણમાં લેઉવા પટેલને ટિકિટ

ઉદય કાનગડ

રાજકોટ-૬૮ (પૂર્વ)

રાજકોટ પૂર્વની આ બેઠક પર વર્તમાન મંત્રી અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ રૈયાણીનું પત્તુ કપાયું છે. તેમની સામે જાહેરમાં થયેલા વિરોધ અને ફરિયાદોના પડઘા પડયાનું માનવામાં આવે છે. તેઓની જગ્‍યાએ પસંદ કરવામાં આવેલા ઉમેદવાર ઉદય કાનગડ રાજકોટના પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર, પૂર્વ સ્‍ટે.ચેરમેન, પૂર્વ શાસક પક્ષ નેતા રહી ચૂકયા છે. ઉદય કાનગડે છેલ્લા સમયમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પણ પૂરા રાજયમાં નોંધપાત્ર કામગીરી કરી છે. આ કારણે પણ ઓબીસી સમાજમાંથી હાઇકમાન્‍ડે તેમની નોંધ લીધાનું માનવામાં આવે છે.

 

ડો. દર્શિતાબેન શાહ 

રાજકોટ-૬૯ (પશ્ચિમ)

ભાજપની પરંપરાગત એવી આ પમિની બેઠક કોઇ પણ ઉમેદવાર માટે સલામત ગણવામાં આવે છે. ભાજપના ગઢમાં વજુભાઇ વાળા બાદ બે ટર્મથી સતત વિજયભાઇ રૂપાણી અહીં ચૂંટાયા હતા. હવે તેમણે ચૂંટણી નહીં લડવા જાહેરાત કરતા આ બેઠક પર ડે.મેયર ડો.દર્શિતાબેન શાહની પસંદગી કરવામાં આવી છે. દર્શિતાબેન બે વખત નગરસેવક અને બે વખત ડે.મેયર પણ બન્‍યા છે. સંઘ પરિવાર સાથે તેમનો પરિવાર દાયકાઓથી જોડાયેલો છે.

 

રમેશભાઇ ટીલાળા

રાજકોટ-૭૦ (દક્ષિણ)

રાજકોટ દક્ષિણની આ બેઠક પર ગોવિંદભાઇ પટેલ ગત ચૂંટણીમાં ૪૭ હજારથી વધુ જંગી બહુમતી સાથે ચૂંટાયા હતા. આ બેઠક પર હવે તેઓ ચૂંટણી નહીં લડે તેવી ધારણા વચ્‍ચે એકાએક તેમણે ચૂંટણી લડવા ઇચ્‍છા જાહેર કરી દીધી હતી. આ બેઠક માટે પણ લાંબી મથામણ થઇ છે. ડો. ભરત બોઘરા આ બેઠકના મજબૂત દાવેદાર હતા. પરંતુ તેમનું નામ પણ લીસ્‍ટમાં આવ્‍યું નથી. આ બેઠક પર ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્‍ટી રમેશભાઇ ટીલાળાની પાર્ટીએ પસંદગી કરી છે. અગાઉ તેઓ દિલ્‍હી ખાતે નરેશભાઇ પટેલની હાજરીમાં વડાપ્રધાનને મળ્‍યા હતા.

 

ભાનૂબેન બાબરીયા

રાજકોટ-૭૧ (ગ્રામ્‍ય)

રાજકોટ ગ્રામ્‍યની આ અનામત બેઠક પર લગભગ દર વખતે ઉમેદવાર બદલતા રહે છે. પ્રમાણમાં સરળ અને બિનવિવાદાસ્‍પદ ગણાતા લાખાભાઇ સાગઠીયા રીપીટ થશે તેવું અઠવાડિયા અગાઉ લાગતું હતું. પરંતુ બે દિવસમાં સંજોગો બદલાયા અને મહિલા ઉમેદવાર આવશે તે નકકી થયું હતું. આ બેઠક પરથી અગાઉ બે વખત ધારાસભ્‍ય રહેલા અને હવે કોર્પોરેટર બનેલા ભાનુબેન બાબરીયાને પાર્ટીએ ફરી ટીકીટ આપી છે. હાલ તેઓ વોર્ડ નં.૧ના કોર્પોરેટર છે.

રાજકોટ તા. ૧૦ : ગુજરાત વિધાનસભાની જાહેર થઇ ચૂકી છે. જેમાં પ્રથમ તબક્કામાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર અને મધ્‍ય ગુજરાતમાં ૧ ડિસેમ્‍બરે મતદાન યોજાવાનું છે. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવાને હવે ચાર દિવસ બાકી છે ત્‍યારે ભાજપે પ્રથમ તબક્કાની યાદી આજે જાહેર કરી છે. ગઇકાલે દિલ્‍હી કમલમ્‌માં મોડી રાત સુધી ચાલેલ કેન્‍દ્રીય પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક બાદ આજે ત્‍યાંથી જ પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને ગુજરાતની ૧૮૨ પૈકી ૧૬૦ બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સૌરાષ્‍ટ્રના પાટનગર એવા ભાજપના કેન્‍દ્રબિંદુ જેવા રાજકોટના ઉમેદવારોની પસંદગીમાં ભાજપે મોટો અપસેટ સર્જી દીધો છે. રાજકોટની ચાર બેઠકો પૈકી ત્રણમાં નવા ચહેરાઓ અને એકમાં જુના જોગી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં રાજકોટ ૬૮ (પૂર્વ) માં ઉદય કાનગડ, રાજકોટ ૬૯ (પમિ) માં ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ ૭૦ (દક્ષિણ) માં રમેશભાઇ ટીલાળા તથા રાજકોટ ૭૧ (ગ્રામ્‍ય)માં ભાનુબેન બાબરીયાને ઉમેદવાર જાહેર કરાયા છે.

કેન્‍દ્રીય ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડની ખૂબ લાંબી ચાલેલ બેઠકમાં ગઇકાલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમીતભાઇ શાહ, ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ તથા કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં ૧૮૨ પૈકી ૧૬૦ બેઠકના ઉમેદવારોનું પ્રથમ લીસ્‍ટ ફાઇનલ કરી લેવામાં આવ્‍યું હતું. ગત મોડી રાતથી મેસેજ આપી દેવામાં આવ્‍યા હતા. આજે સવારે ભાજપ દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.

આજે સવારે જાહેર થયેલા લીસ્‍ટના પ્રાથમિક નામો મુજબ રાજકોટ પૂર્વમાંથી ગત વખતે ચૂંટાયેલા અને મુખ્‍યમંત્રીમાં ફેરબદલ બાદ મંત્રી બનેલા અરવિંદ રૈયાણી સામે થયેલી ફરિયાદો સહિતના કારણોથી તેમને પડતા મુકવામાં આવ્‍યાનું માનવામાં આવે છે. આ બેઠક પર તેમની જગ્‍યાએ ઓબીસી સમાજમાંથી આવતા પૂર્વ મેયર ઉદય કાનગડની પક્ષએ પસંદગી કરી છે.

રાજકોટ-૬૯ની બેઠક ભાજપનો ગઢ છે. વજુભાઇ વાળા અહીંથી વર્ષોથી સતત ચૂંટાતા હતા. મુખ્‍યમંત્રીની પ્રથમ ચૂંટણી નરેન્‍દ્રભાઇ મોદી આ બેઠક પરથી જ લડયા હતા. પમિની આ બેઠક પરથી વિજયભાઇ પણ બે વખત ચૂંટાયા હતા. હવે તેમની જગ્‍યાએ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહનું નામ ફાઇનલ થયું છે. તેઓ વોર્ડ નં. રમાંથી સતત બીજી વખત કોર્પોરેટર તરીકે પણ ચૂંટાયા છે. હાલ ડે.મેયર પણ છે.

રાજકોટ દક્ષિણ-૭૦ની બેઠક પરથી ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલને ધારણા મુજબ નિવૃત્ત કરવામાં આવ્‍યા છે. તેઓ ત્રણ વખત ધારાસભ્‍ય રહ્યા હતા. તેમની જગ્‍યાએ ઉમેદવાર તરીકે ડો. ભરત બોઘરાનું નામ સૌથી આગળ ચાલતું હતું પરંતુ આ નામ પણ સાઇડ પર રહી ગયું છે અને ખોડલધામના ટ્રસ્‍ટી, ઉદ્યોગપતિ રમેશભાઇ ટીલાળાને આ બેઠક પરથી પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

રાજકોટ-૭૧ (ગ્રામ્‍ય)ની બેઠક પર ગત વખતે લાખાભાઇ સાગઠીયા અનામત બેઠક પરથી પાતળી બહુમતીથી ચૂંટણી જીત્‍યા હતા. હવે પાર્ટીએ આ બેઠક ઉપર પણ કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયાને ફરી ટીકીટ આપી છે. ભાનુબેન બાબરીયા અગાઉ બે વખત ધારાસભ્‍ય રહી ચૂકયા છે.

આમ રાજકોટમાં ભાજપે પ્રથમ વખત બે મહિલા કોર્પોરેટરને ટીકીટ આપવાનો સશકિતકરણ જેવો પ્રયોગ કર્યો છે.

રાજકોટ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારોએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, પક્ષે અમારા ઉપર મુકેલા વિશ્વાસને અમે સાર્થક કરીશું અને જે જવાબદારી સોંપી છે તે ઇમાનદારીથી નિભાવશું. ચારેય ઉમેદવારોએ વિજયનો વિશ્વાસ વ્‍યકત કરતા જણાવ્‍યું હતું કે, રાજકોટની ચારેય ચાર બેઠક ઉપર કેસરીયો લહેરાશે. તેઓએ ઉમેર્યું હતું કે, લોકો વડાપ્રધાનની વિકાસની રાજનીતિને ધ્‍યાનમાં રાખીને ભાજપને મત આપશે.

 

વિજયના વિશ્વાસ સાથે ચારેય ઉમેદવારો કાલે ઉમેદવારી ફોર્મ ભરશેઃ ૧૦.૩૦ કલાકે બહુમાળી ભવન ખાતે સભા

ભાજપના ચારેય ઉમેદવારો આવતીકાલે વિજય મુહુર્તમાં ઉમેદવારી નોંધાવશેઃ સવારે ૧૦.૩૦ કલાકે બહુમાળી ભવન ખાતે જાહેરસભાનું આયોજનઃ વિજયભાઇ તથા વજુભાઇ સહિતનાઓ હાજર રહેશેઃ વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવશે ચારેય ઉમેદવારો

 

રાજકોટની વિધાનસભા ૪ બેઠકમાં કયા-કયા વોર્ડનો સમાવેશઃ માહિતી

વિધાનસભા બેઠક            વોર્ડ નંબર                      કુલ મતદારો

રાજકોટ ૬૮ (પૂર્વ)           ૪, પ, ૬, ૧પ, ૧૬                     કુલ ર,૯૭,ર૦૬

રાજકોટ ૬૯ (પમિ)         ૧, ર, ૩, ૮, ૯, ૧૦            કુલ ૩,પ૩,૯૪૭

રાજકોટ ૭૦ (દક્ષિણ)                ૭, ૧૩, ૧૪, ૧૭                       કુલ ર,પ૮,૬૭૩

રાજકોટ ૭૧ (ગ્રામ્‍ય)         ૧૧, ૧ર, ૧૮, તથા રાજકોટ            કુલ ૩,૬૬,૯પ૬

                            

    તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તાર

રાજકોટમાં ૭૧ માં જ્ઞાતીગત મતદારો

જ્ઞાતિ              સંખ્‍યા

બ્રાહ્મણ            ૧૪૯૪૭

જૈન               ર૦પ૩

લેઉવા પટેલ      ૮૦૮૬૧

કડવા પટેલ       ૩૪૧૦૧

લોહાણા           ૬૯૪પ

પ્રજાપતી          ર૬૩૩૮

કડીયા            રપ૧૬૯

કોળી (તળપદા)   ૬પ૩૩

કોળી (ચુવાળીયા) ર૯૯૪

સોની              ૧પ૯૩

ક્ષત્રીય            ૧૧૧૯પ

રજપુત            ૭૭ર૦

આહિર            ૯૩૭પ

ભરવાડ(નાનાભાઇ)      ૪૧૮૭

ભરવાડ (મોટાભાઇ)     ૩૬પ૯

રબારી            પ૦૧

દલીત            ૩૧૦૭પ

મુસ્‍લીમ           ૪૩૪પ

દેવીપુજક         ૯રર

દરજી             ૧૯૩૬

બાવાજી           ૪પપ૮

મોચી             ૮ર૪

સીધી              ૩પ૬

બારોટ            ર૭૯

ગઢવી            ૮પ૩

સતવારા          પ૭૬

વાણંદ            રપ૯૩

લુહાર             ર૦૮૩

સુથાર             ૪૦૪ર

માળી             ૧૦પ

પરપ્રાંતીય        રપ૦૭

કંસારા            ર૩૬ર

અન્‍ય             પપ૩૭પ

ખવાસ  ૭પ

કુલ મતદારો              ૩૫૩૦૩૭

 

 

 

 

 

 

(12:00 am IST)