Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ: પાંચ મજૂરના દર્દનાક મોત

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ફેક્ટરી ઉડી ગઈ : ફાયર ફાઈટર અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી

તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ થયો છે. આ ઘટના ઉસિલાંબટ્ટીના એક ગામની છે, જ્યાં બ્લાસ્ટમાં 5 મજૂરોના જીવ ગયા હતા. જિલ્લા એસપીએ પુષ્ટિ કરી છે કે બ્લાસ્ટ એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ફેક્ટરી ઉડી ગઈ હતી. બ્લાસ્ટનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા, જેમણે પોલીસને ઘટનાની જાણ કરી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય કર્યું હતું.

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગેની માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ જિલ્લા એસપીએ ફેક્ટરીમાં કામ કરતા 5 મજૂરોના મૃત્યુની પુષ્ટિ કરી છે. વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં કેટલા લોકો હાજર હતા અને ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા હતા, સમાચાર લખાય છે ત્યાં સુધી તેની પુષ્ટિ થઈ શકી નથી.

 

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફટાકડાની ફેક્ટરીઓમાં ઘણા વિસ્ફોટ થયા છે અને આવા વિસ્ફોટોમાં મોટી સંખ્યામાં કામદારોના જીવ પણ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૂન મહિનામાં જ કુડ્ડલોરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ કામદારોના મોત થયા હતા. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ આ ઘટનામાં જીવ ગુમાવનારા મજૂરોના પરિવારજનોને 3 લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું. મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા

(11:30 pm IST)