Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ભળતા નામના કારણે મીડીયામાં મૃત્‍યુ થયુ: હત્‍યાના અહેવાલ વહેતા થયેલ તે નિશાએ કુસ્‍તી ચેમ્‍પિનશીપમાં ફાઇલનમાં પંજાબની જસપ્રિતને માત્ર ૩૦ સેકન્‍ડમાં હરાવી

ગોન્ડા (ઉત્તર પ્રદેશ), તા.૧૧: હજુ એક દિવસ પહેલા જ ભળતા નામના કારણે મીડિયામાં જે નિશા દહિયાની હત્યા થઈ હોવાના અહેવાલ વહેતા થયા હતા, તેણે ઉત્તર પ્રદેશમાં યોજાયેલી નેશનલ કુસ્તી ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૬૫ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ટાઈટલ જીતી લીધું હતુ. અંડર-૨૩ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી નિશા દહિયાએ ફાઈનલમાં પંજાબની જસપ્રીત કૌરને માત્ર ૩૦ જ સેકન્ડમાં હરાવી હતી.

હરિયાણાના સોનીપતમાં ઉભરતી કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં એવા અહેવાલ પ્રસારિત થયા હતા કે, આંતરરાષ્ટ્રીય મેડાલિસ્ટ નિશા દહિયાની હત્યા થઈ છે. જે પછી નિશાએ ખુદ વીડિયો બનાવીને જાહેરાત કરી હતી કે, હું હાલમાં નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશમાં છું. મારી હત્યા થઈ નથી. જેની હત્યા થઈ તે નિશા દહિયા અલગ છે.

૨૩ વર્ષની નિશાએ કહ્યું કે, ગઈકાલનો દિવસ મારા માટેે અત્યંત તનાવભર્યો રહ્યો હતો. આમ છતાં આખરે નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને હું ખુબ જ ખુશ છું. નોંધપાત્ર છે કે, તે નેશનલ્સમાં રેલવેનું પ્રતિનિધિત્વ કરે છે.

(11:35 pm IST)