Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

અફઘાનિસ્‍તાનમાં તાલીબાનની સત્તા બાદ ભારતની એક મોટી રણનીતિથી પાકિસ્‍તાન અને ચીન બંને અલગ પડી ગયા

અફઘાનિસ્‍તાનમાં તાલીબાની સત્તામાં ભારતનો દ્રષ્‍ટિકોણ દુનિયાના લોકતાંત્રિક દેશોને અનુકૂળ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલના નેતૃત્વમાં દિલ્હીમાં યોજાયેલા ક્ષેત્રીય સુરક્ષા ડાયલોગ પર ચીન અને પાકિસ્તાન નજર રાખી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા બાદ ભારતની એક મોટી રણનીતિથી પાકિસ્તાન અને ચીન બન્ને અલગ થલગ પડી ગયા છે. ક્ષેત્રીય સુરક્ષા ડાયલોગમાં અફઘાનિસ્તાનના સાત મહત્વના પાડોશી દેશોનું ભારત આવવું તે દર્શાવે છે કે ભારત અફઘાનિસ્તાન માટે અતી મહત્વનું છે.

ક્ષેત્રીય સુરક્ષા ડાયલોગે એ શીખવી દીધુ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તામાં ભારતનો દ્રષ્ટીકોણ દુનિયાના લોકતાંત્રીક દેશોને અનુકુળ છે. ભારતની આ પહેલથી ચીન અને પાકિસ્તાનની ભારે મજાક ઉડી છે. ભારત, રશિયા, ઇરાન અને પાંચ સેન્ટ્રલ એશિયન દેશોએ બુધવારે સંયુક્ત રીતે કહ્યું છે કે વૈશ્વિક આતંકવાદ માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ન થવો જોઇએ. આ દેશોના ટોચના અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે અફઘાનિસ્તાનમાં એક લોકશાહી વાળી સરકાર રચાવી જોઇએ.

પાકિસ્તાન અને ચીન તાલિબાનને સમર્થન આપતા રહ્યા છે જ્યારે રશિયાએ આ મામલે હવે ભારતને સમર્થન આપ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા અંગે યોજાયેલી આ બેઠકમાં જે પણ અન્ય દેશોએ ભાગ લીધો તેમાં કઝાખસ્તાન, કિર્ગસ્તાન, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.

આ બેઠકને ખુલ્લી મુકતી વેળાએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હાલ જે પરિવર્તન થયા છે તેની અસર ન માત્ર અફઘાનિસ્તાનના નાગરિકો ઉપરાંત સમગ્ર પ્રાંત પર પડવા જઇ રહી છે. આ બેઠકમાં જોડાયેલા બધા જ દેશોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને આતંકવાદ સામે લડવાની જાહેરાત કરી હતી. સાથે જ સમગ્ર પ્રાંતમાં જે ડ્રગ્સ તસ્કરી ચાલી રહી છે તેના ખાતમા માટે પણ આ દેશો એક થયા હતા.

(5:20 pm IST)