Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કંગનાના વિચારને હું પાગલપન કહુ કે પછી દેશદ્રોહઃ 1947માં મળેલી આઝાદી ભીખ હતી, દેશને અસલી આઝાદી તો 2014માં મળી તેવા કંગના રનૌતના નિવેદન સામે ભાજપ સાંસદ વરૂણ ગાંધી આકરા પાણીએ

ક્‍યારેક મહાત્‍મા ગાંધીના ત્‍યાગ અને તપસ્‍યાનું અપમાન તો ક્‍યારેક તેમના હત્‍યારાનું સન્‍માન, આ શું છે ? ભાજપ નેતાઓ સવાલ ઉઠાવ્‍યા

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ફરી એક વખત વિવાદમાં છે. કંગના રનૌતે એક કાર્યક્રમ દરમિયાન આઝાદીને લઇને નિવેદન આપ્યુ હતુ જેની પર ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ નિશાન સાધ્યુ છે. વરૂણ ગાંધીએ કંગના રનૌત પર સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યુ કે કંગનાના વિચારને હું પાગલપન કહુ કે પછી દેશદ્રોહ. કંગનાએ નિવેદન આપ્યુ હતુ કે 1947માં મળેલી આઝાદી ભીખ હતી, દેશને અસલી આઝાદી તો વર્ષ 2014માં મળી.

કંગનાએ એક કાર્યક્રમમાં કહ્યુ- સાવરકર,રાની લક્ષ્મીબાઇ, નેતા સુભાષચંદ્ર બોસ આ લોકોની વાત કરૂ તો આ લોકો જાણતા હતા કે લોહી વહશે પરંતુ આ પણ યાદ રહે કે હિન્દુસ્તાની-હિન્દુસ્તાનીનું લોહી ના વહાવે. તેમણે આઝાદીની કિંમત ચુકાવી, પણ તે આઝાદી નહતી તે ભીખ હતી. જે આઝાદી મળી છે તે 2014માં મળી છે.

કંગનાના આ નિવેદનને વીડિયો ટ્વીટ કરતા વરૂણ ગાંધીએ લખ્યુ, ક્યારેક મહાત્મા ગાંધીના ત્યાગ અને તપસ્યાનું અપમાન, ક્યારેક તેમના હત્યારાનું સમ્માન, અને હવે શહીદ મંગલ પાંડેથી લઇને રાની લક્ષ્મીબાઇ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોસ અને લાખો સ્વતંત્રતા સેનાનીઓની કુરબાનીનો તિરસ્કાર, આ વિચારને હું પાગલપન કહુ કે પછી દેશદ્રોહ?

કંગના રનૌતના આ નિવેદનની અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ પણ ટિકા કરી છે, તેમણે પણ કંગનાનો વીડિયો ટ્વીટ કરતા લખ્યુ, મણિકર્ણિકાનો રોલ નીભાવનારી આર્ટિસ્ટ આઝાદીને ભીખ કેવી રીતે કહી શકે છે!!! લાખો શહીદી બાદ આઝાદીને ભીખ કહેવુ કંગના રનૌતની માનસિક દેવાળુ છે.

(5:18 pm IST)