Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ધર્મથી માંડીને બધુ નિયંત્રણમાં મુકવા માંગે છે ચીન, ભારત સદ્ભાવનું કેન્દ્ર છે અહીં સંપૂર્ણ આઝાદી : દલાઇ લામા

ચીની નેતાઓમાં સાંસ્કૃતિક વિવિધતાની સમજ નથી

નવી દિલ્હી તા. ૧૧ : તિબેટથી નિર્વાસીત થયેલ આધ્યાત્મિક ગુરૂ દલાઇ લામાએ કહ્યું છે કે ચીનના નેતાઓ સંસ્કૃતિની વિવિધતા સમજતા નથી અને કડક સામાજીક નિયંત્રણો પ્રત્યેનું સત્તાધારી સામ્યવાદી પક્ષનું વલણ નુકસાનકારક સાબિત થઇ શકે છે. ચીન બધું પોતાના નિયંત્રણમાં લઇ લેવાની ઇચ્છા વધુ બળવાન બની ગઇ છે.

ટોકયોમાં ફોરેન કોરસપોન્ડન્ટ કલબની ઓનલાઇન કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, હું શાંતિથી ભારતમાં રહેવાનું પસંદ કરીશ. જ્યાં હું ૧૯૫૯થી રહી રહ્યો છું. ઓફિશ્યલ રીતે નાસ્તીક સામ્યવાદી પણ શાસિત ચીન અને જોરદાર બૌધ્ધ ધર્માવલંબી તાઇવાનની જટીલ રાજનીતિમાં ફસાવાના બદલે દલાઇ લામાએ પોતાનું શેષ જીવન ભારતમાં જ વીતાવવાની ઇચ્છા વ્યકત કરી હતી.

તેમણે કહ્યું કે, ધાર્મિક સદ્ભાવનાના કેન્દ્રના રૂપમાં ભારત સૌથી સારો દેશ છે. ચીની રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે મુલાકાત બાબતે તેમણે કહ્યું કે, અત્યારે તો મારી આવી કોઇ યોજના નથી.

દલાઇ લામાએ કહ્યું કે, મને ખરેખર લાગે છે કે હું એક એવો સામાન્ય બૌધ્ધ ભિક્ષુ છું જે જટીલ રાજકારણમાં સામેલ થવા નથી માંગતો. હું ફકત તિબેટની સ્વાયતતા અને સ્થાનિક બૌધ્ધ સંસ્કૃતિનો સંરક્ષક છું. જણાવી દઇએ કે દલાઇ લામા લાંબા અરસાથી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આવેલ મેકલોડગંજમાં રહી રહ્યા છે. તેમની અમેરિકા, ઓસ્ટ્રેલીયા સહિતના અન્ય દેશોના પ્રવાસો પર ચીન અવાર-નવાર વાંધો દર્શાવતું રહ્યું છે.

(12:44 pm IST)