Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

તામિલનાડુમાં ભારે વરસાદ : ચેન્નાઈમાં પૂર જેવી સ્થિતિ

ઘરમાં પાણી ઘુસી જતાજનજીવન અસ્તવ્યસ્ત

ચેન્નાઇ તા. ૧૧ : તમિલનાડુમાં અવિરત વરસાદને કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે રાજયના ઘણા ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તિરૂવલ્લુર, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને કાંચીપુરમ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. રાજધાની ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. આટલું જ નહીં, ભારે વરસાદના કારણે સર્જાયેલી તબાહીમાં અનેક નિર્દોષ જીવ પણ ગયા હતા. રેકોર્ડ સંખ્યામાં લોકોના ઘરોને નુકસાન થયું હતું. ચેન્નાઈ, તિરૂવલ્લુર, કલ્લાકુરિચી, સાલેમ, વેલ્લોર, તિરૂપત્તુર, રાનીપેટ, તમિલનાડુ અને પુડુચેરીના તિરૂવન્નામલાઈ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા ઘણા દિવસોથી ચેન્નાઈમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. હવામાન વિભાગે રાજયના અનેક જિલ્લાઓમાં ૧૧ નવેમ્બરે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે રાજયના ૯૦ મોટા જળાશયો અને તળાવો છલકાઈ ગયા છે. રાજયમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૧૨ પર પહોંચી ગયો છે. હાલ રાજયના લોકોને વરસાદથી રાહત મળવાની આશા નથી.

બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા ટૂંક સમયમાં તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. જેના કારણે સમગ્ર તમિલનાડુમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે. રાજયના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કેકેએસએસઆર રામચંદ્રને જણાવ્યું હતું કે એનડીઆરએફની ૧૧ ટીમો અને એસડીઆરએફની સાત ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યમાં લાગેલી છે.

(12:08 pm IST)