Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જેને ટીકા કરવી હોય એ ભલે કરે : મોદીરાજમાં બધુય ફર્સ્ટ કલાસ : ખેડૂતથી લઇને વેપારી સૌ કોઇ ખુશ

મથુરાના સાંસદ હેમામાલિની એ ટીકાકારોને આપ્યો જવાબ

મથુરા તા. ૧૧ : બોલીવુડ અભિનેત્રી અને ભાજપા સાંસદ હેમામાલિનીએ કેન્દ્ર સરકારની ટીકાઓ બાબતે કહ્યું કે, મોદી સરકારથી બધા ખુશ છે. એક કાર્યક્રમમાં સામેલ થવા માટે મથુરા આવેલ હેમા માલિનીએ આ વાત મીડીયા સાથેની વાતચીતમાં કરી હતી.

મથુરાના સાંસદ હેમા માલિની સોમવારે વૃજ રજ ઉત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કરવા ધર્મનગરી વૃંદાવન આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે યમુના કિનારે શરૂ થયેલ વૃજ રજ ઉત્સવનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ સાથે મીટીંગ પણ કરી હતી. આ ઉત્સવ ૧૦ દિવસ ચાલે છે. હેમા માલિની પણ આ ૧૦ દિવસ પોતાના સંસદીય વિસ્તારમાં જ રહેશે.

પોતાના આ પ્રવાસ દરમિયાન હેમા માલિનીએ ન્યુઝ ૨૪ સાથે વાત કરતા કહ્યું કે, 'અમારા લોકોના મતે બધુ એકદમ ફર્સ્ટ કલાસ છે. ખેડૂત પણ ખુશ છે અને અહીંનો વેપારી પણ ખુશ છે. મજૂર પણ ખુશ છે, બધા ખુશ છે. જેને જે ટીકા કરવી હોય એ ભલે કરે.'

 આ કાર્યક્રમ અંગે ટ્વીટ કરીને માહિતી આપતા હેમા માલિનીએ કહ્યું 'યુપી વ્રજ તીર્થ વિકાસ પરિષદ અને હુન્નર હાટ એ વૃંદાવનમાં વૃજ રજ ઉત્સવ-૨૦૨૧નું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ આગામી ૧૦ દિવસ સુધી ચાલશે. જેમાં વિભીન્ન કલાકારો ભાગ લેશે. કેન્દ્રીય લઘુમતિ પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રધાન યોગીજીએ તેનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું.'

(11:22 am IST)