Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

SIPમાં રોકાણ પ્રથમ વખત રૂ. ૧૦ હજાર કરોડને પાર : ૨૬.૮ લાખ નવા ખાતા ખુલ્યા

મુંબઈ તા.૧૧ : ગયા મહિને મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) માં પ્રથમ વખત ૧૦ હજાર કરોડથી વધુનું રોકાણ થયું હતું. આ સમયગાળા દરમિયાન રેકોર્ડ ૨૬.૮ લાખ નવા SIP ખાતા પણ ખોલવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરમાં SIPમાં કુલ ૧૦,૩૫૧.૩ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.

આ અગાઉ માર્ચ ૨૦૨૦ માં SIPમાં ૮,૬૪૧ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું જોકે તે જ મહિનામાં કોરોના રોગચાળાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારથી આ અત્યારસુધીમાં લગભગ ૨૦%નો વધારો થયો છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) ના સીઈઓ એનએસ વેંકટેશે જણાવ્યું હતું કે, 'SIPનું યોગદાન ૧૦ હજાર કરોડને પાર કરવાનો સીમાચિહ્રનરૂપ છે. આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો સતત વિશ્વાસ દર્શાવે છે. રિટેલ રોકાણકારો પરંપરાગત બચત વિકલ્પો પર મ્યુચ્યુઅલ ફંડને પ્રાધાન્ય આપી રહ્યા છે જેમ કે બેન્ક એફડી વગેરે ઓછા રિટર્ન સાથે.'

એમ્ફી દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ઇકિવટી અને ઇકિવટી લિકડ સ્કીમોમાં રૂ ૮,૬૭૭.૪ કરોડનું રોકાણ હતું. આ કેટેગરીના ભંડોળમાં ઓગસ્ટ દરમિયાન રૂ ૮,૬૬૬.૭ કરોડનું રોકાણ હતું. જો કે આપણે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ (ડેટ સહિત) ની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ૪૭,૨૫૭.૪ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.

સ્મોલ-કેપ્સ સિવાય ઇકિવટી કેટેગરીના અન્ય તમામ ફંડોએ સપ્ટેમ્બરમાં રોકાણ જોયું હતું. સ્મોલ-કેપ ફંડમાં સતત બીજા મહિને ઉપાડ જોવા મળ્યો હતો . તેનાથી વિપરીત, લાર્જ-કેપ અને મલ્ટી-કેપ ફંડ્સમાં રોકાણ ઉપાડના માત્ર એક મહિના પછી થયું છે.

સપ્ટેમ્બરમાં પ્રથમ વખત સેન્સેકસ ૬૦,૦૦૦ની ઉપર ગયો હતો.ગોલ્ડ અને ડેટ જેવા અન્ય એસેટ કલાસનો દેખાવ ઓછો રહ્યો.ભારત વિશ્વનું સૌથી ઝડપી સ્ટોક એકસચેન્જ હતું. માર્ચ ૨૦૨૦થી સેન્સેકસ બમણો થઈ ગયો છે.

(3:11 pm IST)