Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

પ્રસવ પીડાથી કણસતી મહિલાનું હોસ્પિટલની મુલાકાતે આવેલા ધારાસભ્યએ કર્યું ઓપરેશન

ડોક્ટરની ગેરહાજરીમાં ધારાસભ્યએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું

નવી દિલ્હી: કોરોના કાળમાં આવા જ એક નેતાએ માત્ર પોતાની ફરજ જ અદા નથી કરી, પરંતુ એક નવજાત અને તેની માતા માટે દેવદૂત પણ બન્યા છે.આ કિસ્સો મિઝોરમનો છે. જ્યાં એક ધારાસભ્ય અચાનક હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. એવામાં ડૉક્ટરની ગેરહાજરીમાં એક ગર્ભવતી મહિલા ઘણી તકલીફમાં જોવા મળી હતી.

 આ ધારાસભ્યએ સમયસૂચક્તા વાપરીને આ ગર્ભવતી મહિલાની સફળ ડિલીવરી પણ કરાવી દીધી. ધારાસભ્યના આ કામની માત્ર હોસ્પિટલમાં જ નહીં પરંતુ સમગ્ર મિઝોરમ રાજ્યમાં ચર્ચા થઈ રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અહીનાં ચંપાઈ જિલ્લામાં ધારાસભ્ય ઝેડઆર થિયામસંગમા ભૂકંપ પીડિતોની સ્થિતિ જાણવા માટે એક હોસ્પિટલમાં પહોંચ્યા હતા.જ્યાં એક ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. જો કે ત્યાં ફરજ પર કોઈ ડૉક્ટર હાજર નહતો. એવામાં હોસ્પિટલની મુલાકાતે આવેલા ધારાસભ્ય જ ગર્ભવતી મહિલા માટે ફરિશ્તો સાબિત થયા હતા. તેમણે તાત્કાલિક મહિલાનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતુ. હાલ બાળક અને માતા બન્ને સ્વસ્થ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, થિયામસંગમા રાજકારણમાં આવ્યા પહેલા એક ગાયનેકૉલૉજિસ્ટ ડૉક્ટર જ હતા. ધારાસભ્ય બન્યા બાદ પણ તેમણે પોતાની પ્રેક્ટિસ છોડી નહતી. તેઓ અવારનવાર સારવાર માટે આંતરિયાળ વિસ્તારોમાં પોતાનો સ્ટોથોસ્કોપ લઈને પહોંચી જાય છે.

તાજેતરમાં આવેલા ભૂકંપના કારણે થયેલા નુક્સાનનો તાગ મેળવવા અને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે તેઓ સોમવારે મ્યાનમારની સરહદ પર આવેલ પોતાના વિધાનસભા વિસ્તાર ચંપાઈની મુલાકાત પર હતા.

(9:56 pm IST)