Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

મારી સરકાર પાંચ વર્ષ પૂરાં કરશે, ભાજપનો દાવ નિષ્ફળ

રાજસ્થાનમાં અમારી સરકાર જ રહેશે : મુખ્યમંત્રી અશોક ગેહલોત : સચિન પાયલટની પક્ષ વાપસી સાથે વિવાદનો અંત : સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત ને નકામ ગણવા અંગેનું નિવેદન ફગાવ્યું

જયપુર, તા. ૧૧ : રાજસ્થાનમાં ઘીની ઠામમાં અંતે ઘી સચવાય ગયું છે. ૩૨ દિવસ સુધી ચાલેલા ડ્રામાનો સચિન પાયલટની વાપસી સાથે મંગળવારે સત્તાવાર રીતે અંત આવી ગયો છે. સચિન પાયલટ કોંગ્રેસમાં પરત ફર્યા ત્યારબાદ મુખ્યમંત્રી ગેહલોતનું પહેલું નિવેદન આવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા મંગળવારે કહ્યું કે ઇનકમ ટેક્સ અને સીબીઆઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અમારી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે અને ફરી ચૂંટણી જીતશે. પાર્ટીમાં ભાઇચારો છે. ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જે વિવાદ દૂર કરશે.

             ભાજપે સરકાર પાડવાના બહુ પ્રયત્ન કર્યા પણ અમારા ધારાસભ્યો એક સાથે છે અને કોઇ અમને છોડીને ગયું નથી. ગેહલોતને 'નકામા'ગણાવવા અંગેના નિવેદનના જવાબમાં કહ્યું કે મેં મારા પરિવારમાંથી અમુક મૂલ્યો શીખ્યા છે. એ મુદ્દો નથી કે હું કોઇ વ્યક્તિનો કેટલો વિરોધ કરું છું, પરંતુ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતો નથી. રાજકારણમાં વ્યક્તિગત દુશ્મની માટે કોઇ સ્થાન હોતું નથી.

             પાયલટે કહ્યું કે રાહુલ અને પ્રિયંકાએ તેમના વાંધા દૂર કરવા માટે રોડમેપ તૈયાર કરવાનો ભરોસો આપ્યો છે. લાંબા સમયથી હું અમુક મુદ્દાઓ ઉઠાવવા માગતો હતો. શરૂઆતથી કહી રહ્યો છું કે લડાઇ આદર્શોની હતી. હું હંમેશા એ વિચારતો હતો કે પાર્ટીના હિતમાં અમુક મુદ્દાઓ ઉઠાવવા જરૂરી છે. સોનિયાજીએ સરકારની સમસ્યાઓ સાંભળી હતી. એવું લાગે છે કે થોડા સમયમાંજ આ મુદ્દાઓ દૂર કરી દેવામા આવશે. જે લોકોએ મહેનત કરી છે, તેમની સરકારમાં ભાગીદારી હોવી જોઇએ. આ લડાઇ પદ માટે નહીં, આત્મસન્માન માટે હતી. પાર્ટી પદ આપે છે તો લઇ પણ શકે છે.

               જે વાયદા સત્તામાં આવવા માટે કર્યા હતા તેમને પૂર્ણ કરીશું. સચિન પાયલટ સાથે બાકીના બળવાખોર ધારાસભ્યો મંગળવારે જયપુર પરત આવશે. છેલ્લા એક મહિનાથી તેઓ હરિયાણાના માનેસર સ્થિત હોટલમાં રોકાયેલા હતા. પાયલટ જૂથના ત્રણ ધારાસભ્યો ઓમપ્રકાશ હુડલા, સુરેશ ટાંક અને ખુશબીર આજે સવારે જયપુર પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ગેહલોત સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. તે પહેલા બળવાખોર ધારાસભ્ય ભંવરલાલ શર્માએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.

(9:25 pm IST)