Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજસ્થાનમાં કોંગ્રેસનો ડખો સમાપ્ત

પાયલોટ રાહુલ-પ્રિયંકાનું માન મેળવીને કોંગ્રેસમાં પરતઃ મુખ્ય પ્રધાન ગેહલોત જ રહેશે પણ પાયલોટનું સ્વમાન જળવાશે

નવી દિલ્હી, તા. ૧૧ :  લગભગ એક મહિનાના બળવા પછી સચિન પાયલોટનું કોંગ્રેસમાં પાછા ફરવાનું નકકી થઇ ગયું છે. પોતાના બળવાને પદ અને પ્રતિષ્ઠાની વાત કરનારા પાયલોટ ગઇકાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ તરફથી એક કમિટીની રચના કરવામાં આવી છે જે સચિવ પાયલોટની બધી સમસ્યાઓનું સમાધાન કરશે. આ વચનોથી પાયલોટ માની ગયા છે અને ટુંક સમયમાં તે કોંગ્રેસમાં કોઇ મોટા પદ પર દેખાઇ શકે છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ સોમવારે પાયલોટ અને તેના સાથી ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી.બધાની વાતો સાંભળવામાં ૧૪ ઓગસ્ટથી શરૂ થનાર વિધાનસભા સત્ર પહેલા જ કોંગ્રેસે પોતાનો ડખ્ખો પુરો કરી નાખ્યો છે. હાઇ કમાન્ડે અશોક ગેહલોત સાથે પણ વાત કરી છે, તે પણ હોર્સ ટ્રેડીંગ કેસમાં નરમાશ વર્તવા તૈયાર છે.

રાજસ્થાનમાં ગેહલોત અત્યારે મુખ્યપ્રધાન રહેશે પણ પાયલોટના સાથીદારોને પ્રધાનમંડળમાં મોટા પદ મળી શકે છે, તે ઉપરાંત પક્ષ તરફથી પાયલોટને મુખ્ય પ્રધાનપદનું આશ્વાસન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૪ ઓગસ્ટે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. પાયલોટ જુનના કેટલાક ધારાસભ્યો જયપુર પાછા આવી ગયા છે.અને કેટલાક ટુંક સમયમાં પાછા આવશે. ભાજપા સરકાર બનાવવાનું જેસ્વપ્ત જોતી હતી તે હાલ પુરતું તૂટી ગયું છે.

(12:49 pm IST)