Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

મુંબઇના ઘાટકોપરમાં પ્રભુજીની સેવાપૂજા માટે ખોલાયેલ દેરાસરો ૭ર કલાકમાં બંધ કરાયા

પર્યુષણ આવતા હોય સંઘો દ્વારા કરવામાં આવેલ જાહેરાત બાદ પોલીસની ચેતવણી આવતા : જૈનાચાર્ય પૂ.રત્નસુંદરસૂરીશ્વરજીએ ઉપાશ્રયો નહીં જ ખુલે, જિનાલયો ખોલવા સંઘનો વિષય હોવાનું જણાવેલ

ઘાટકોપર (ઇસ્ટ)ના તિલક રોડના જયાલક્ષ્મી બિલ્ડીંગમાં આવેલા આદિનાથ જિનાલય અને કુકરેજા કોમ્પલેક્ષમાં આવેલા સીમંધરસ્વામી જિનાલયને પોલીસ ડીપાર્ટમેન્ટની વોર્નીગ આવ્યા પછી દેરાસરો ખોલ્યાના ત્રણ જ દિવસમાં આવતી કાલથી આ દેરાસરો બંધ કરવાનો સંઘ દ્વારા નિર્ણય લેવાયો છે.

પયુર્ષણ પર્વ આવી રહયા હોવાથી મુંબઇભરમાં દેરાસરો ખોલવા જોઇએ એવી અમુક જૈનો તરફથી ચળવળ શરૂ કરવામાં આવી છે. જો કે આ બાબતનો વિરોધ પણ થઇ રહયો છે. ખુણે ખાંચરે આવેલા અમુક દેરાસરોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ અને કોવીડના નિયમોનું પાલન કરીને ભગવાનની પુજા સેવા શરૂ કરવામાં આવી છે જેનો અંદર ખાને જૈન સમાજમાં વિરોધ પણ થઇ રહયો છે. આમ છતા યુવાનો માટે દેરાસરો એક-બે કલાક ખોલીને તેમને પુજાસેવા કરવાનો લાભ આપવામાં આવે છે.

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મુર્તિપુજક જૈન સંઘ ઘાટકોપર (ઇસ્ટ) તરફથી આઠ ઓગષ્ટના શનીવારથી દેરાસરમાં સવારે આઠથી બપોરે બાર વાગ્યા સુધી બે ભગવાનની મુર્તિની પુજા કરવા દેવામાં આવશે એવી જાહેરાત કરતુ બોર્ડ મુકવામાં આવયું હતું. જેમાં જયાલક્ષ્મી બીલ્ડીંગમાં આવેલા આદિનાથ જિનાલય અને કુકરેજા કોમ્પલેક્ષમાં આવેલા સીમંધરસ્વામી જિનાલયમાં પૂજા કરવા મળશે એમ જણાવવામાં આવયું હતું.

આ સંઘના જ એક સભ્યએ આપેલી માહીતી પ્રમાણે આ બોર્ડનો ફોટો વોટસએપ અને સોશ્યલ મીડીયામાં વાઇરલ થયો હતો જેને પગલે મુંબઇના અનેક દેરાસરો અને મંદિરોમાં ઉહાપોહ થયો હતો. દેરાસરો ખુલી રહયા છે એવી પોલીસમાં ફરીયાદ કરવામાં આવી હતી. લોકોની ફરીયાદને પગલે પોલીસ તરફથી શ્રી સંઘને ચેતવણી આપવામાં આવી હતી તેમજ તરત અમલમાં આવે એવી રીતે દેરાસરો બ઼ધ રાખવાની ભલામણ કરવામાં આવી હતી.

પોલીસની ચેતવણીને પગલે આજે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મુર્તિપુજક જૈન સંઘ, ઘાટકોપર (ઇસ્ટ) વોટસએપ પર એક મેસેજ વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં સંઘે જણાવ્યું હતું કે પોલીસ-ડીપાર્ટમેન્ટ તરફથી આવેલી ચેતવણી બાદ શ્રી સંઘ વિરૂધ્ધ કાર્યવાહી ન થાય એ હેતુથી શ્રીસંઘ સંચાલીત બન્ને જિનાલયોમાં પરમાત્માના દર્શન અને પુજા ૧૧ ઓગષ્ટથી સંપુર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બાબતમાં સ્પષ્ટતા કરતા આ સંઘના એક કારોબારી સભ્ય ગુજરાતીને કહે છે પર્યુષણ પર્વ આવતા હોવાથી યુવા વર્ગનો દેરાસરો ખુલે અને લોકો દર્શન પુજા સેવાનો લાભ લઇ શકે એવો સારો હેતુ હતો. આ સમયે પણ વડીલો અને સંઘના અનેક કારોબારી સભ્યોએ એનોો વિરોધ કર્યો હતો. સૌનો એક જ મત હતો કે આપણે સરકારના આદેશ વગર દેરાસરો ખોલવા નથી, કાયદાનું ઉલ્ંલંઘન કરવુ નથી. આમ છતા અમુક સભ્યો દેરાસર ખોલવાની તરફેણમાં હતા અને દેરાસર ખોલવામાં આવ્યું હતું. આમા સંઘનો કાયદાનું ઉલ્લંઘન કરવાનો કોઇ ઉદેશ નહોતો. દેરાસર ખોલ્યા પછી પોલીસ ડીપાર્ટમેન્ટની ચેતવણી મળ્યા પછી આજે સંઘે તરત જ અમલમાં આવે એવી રીતે આવતીકાલથી બન્ને દેરાસરો સંપુર્ણ બંધ રહેશે એવી જાહેરાત કરી છે.

થોડા દિવસ પહેલા જ જૈનાચાર્ય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજ સાહેબે તેમના પ્રવચનમાં કહયું હતું કે દેરાસરો ખુલે કે ન ખુલે એ સંઘનો વિષય છે પણ ઉપાશ્રયો તો નહી જ ખુલે એ બાબતની સ્પષ્ટતા કરી હતી. તેમણે એ મેસેજમાં એ પણ જણાવ્યું હતું કે જૈનોનાં બારથી તેર હજાર સાધુ સાધ્વીઓના જીવન જોખમાય નહી એ જોવાની ફરજ સંઘોની છે.

(12:48 pm IST)