Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોંગ્રેસે બનાવી ૩ સભ્યોની કમિટિ

સચિન પાયલટની ફરિયાદ દુર કરશે પ્રિયંકા - અહેમદ પટેલ અને વેણુગોપાલ

નવી દિલ્હી તા. ૧૧ : રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય સંકટનો હવે અંત આવી રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. સચિન પાયલટ જૂથે સોમવારે પક્ષ સાથે સમજૂતિ કરી લીધી છે. સોમવારે સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી, ત્યાર પછી કોંગ્રેસે સચિન પાયલટ સાથેની સમજૂતિની પુષ્ટિ કરી. કોંગ્રેસે સચિન પાયલટને આશ્વાસન આપ્યું છે કે તેમની બધી ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવશે અને સન્માનપૂર્વક તેમની ઘરવાપસી કરવામાં આવશે.

કોંગ્રેસ પાર્ટી દ્વારા સચિન પાયલટની ફરિયાદ સાંભળવા માટે ત્રણ સભ્યોની કમિટિ બનાવી છે. આ કમિટિમાં પ્રિયંકા ગાંધી, વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને કેસી વેણુગોપાલને રાખવામાં આવ્યાં છે. રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે સચિન પાઇલટ તરફની ફરિયાદ આ કમિટિ સાંભળશે.

સોમવારે સવારે જ રાજસ્થાનમાં રાજકીય હલચલ તેજ જોવા મળી હતી. સૂત્રોને જાણકારી મળી હતી કે સચિન પાયલટ અને અન્ય બળવાખોર નેતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરવાના છે. મળતા અહેવાલ મુજબ આ મુલાકાતમાં બળવાખોર નેતાઓની ફરિયાદને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, જેના કારણે ગેહલોત સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યાં હતા. ગત દિવસોમાં એનસીઆરમાં કોઇપણ સ્થળ પર પ્રિયંકા ગાંધી અને સચિન પાઇલટ વચ્ચે મુલાકાત યોજાઇ હતી. ત્યાર બાદ એ નક્કી થયું. પ્રિયંકા અને સચિનની મુલાકાત પછી કેટલાક સ્તર પર વાચતીચ પણ થઇ ચૂકી છે.

આ હાલનો ઘટનાક્રમ રાજસ્થાન વિધાનસભા સત્ર બોલાવ્યાં પાંચ દિવસ પહેલાનો છે. જયારે અશોક ગેહલોત પોતાનો બહુમત સાબિત કરવાનો દાવો કરી રહ્યાં છે. ગેહલોતે પોતાના વિરોધીઓ પર ભાજપની સાથે મળીને સરકાર તોડવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

જયારે રાજસ્થાનના બરતરફ કરાયેલા કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્માએ સોમવાર સાંજે અશોક ગેહલોતની સાથે બેઠક કર્યા બાદ જાહેરાત કરી હતી કે તેઓ મુખ્યમંત્રી ગેહલોતની સાથે છે.

(11:47 am IST)