Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

એનસીડેકસ સફેદ તલના વાયદા શરૂ કરશે

ઉંઝા-રાજકોટ જેવા ડિલિવરી સેન્ટરો સાથે : ઘઉંના ઓપ્શન ઇન ગુડ્ઝના સોદા માટે પણ રાજકોટ એક ડિલીવરી સેન્ટર

મુંબઇ તા. ૧૧ : નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એકસચેન્જ (એનસીડેકસ) ખાતે હાલમાં જ શરૂ થયેલા ઘઉંનાં ઓપ્શન્સ ઇન ગુડ્ઝના સોદા માટે તથા આગામી દિવસોમાં શરૂ થનારા સફેદ તલનાં વાયદા માટે રાજકોટની ડિલીવરી સેન્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સફેદ તલનાં વાયદા માટે ઉંઝાને મુખ્ય ડિલીવરી સેન્ટર રાખવામાં આવ્યું છે. 

 NCDEXના એકિઝકયુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ-પ્રોડકટસ તથા બિઝનેસ ડેવલપમેન્ટ, કપિલ દેવે કહ્યું, કે કોમોડિટીનાં કારોબારમાં પરંપરાગત રીતે ગજરાતનો દબદબો રહ્યો છે, દાયકાઓ પહેલા સુરેન્દ્રનગર કપાસનાં વાયદાનાં ભાવ ઉપર આખા વિશ્વની નજર રહેતી હતી. આજે પણ એકસચેન્જના કારોબારમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવે છે જેનો એનસીડેકસને ગર્વ છે. ભારતનાં કષિ અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન અતિમહત્વપૂર્ણ હોય છે. તેથી જ એનસીડેકસ ખાતે રાજસ્થાન બાદ બીજા નંબરના સૌથી વધારે  ડિલવિરી સેન્ટરો ગુજરાતમાં આવેલા છે.  રોકાણની બાબત હોય કે હાજર બજારના વેપાર તથા ડિલીવરીની બાબત હોય, કોમોડિટીનાં વેપારમાં ગુજરાતના કારોબારીઓએ હંમેશા સક્રિય રહીને વેપારમાં યોગદાન આપ્યું છે. એનસીડેકસ પર ચાલતા ચણા, એરંડા, ધાણા, જીરૂ, કપાસિયા ખોળ તથા કપાસ જેવી કોમોડિટીનાં વાયદામાં ગુજરાતનો નોધંપાત્ર કારોબાર રહ્યો હોવાનું કપિલ દેવે ઉમેર્યુ હતું.

હવે એનસીડેકસ ખાતે ઘઉંના ઓપ્શન ઇન ગુડ્ઝ સોદા શરૂ થયા છે જેમાં પણ રાજકોટને વધારાના ડિલીવરી સેન્ટર તરીકે પસંદ કરવામાં આવ્યું છે ત્યારે અમને વિશ્વાસ છે કે એનસીડેકસ ગુજરાતમાં પોતાનો કારોબાર વધારી શકશે. એકસચેન્જના પ્લેટફોર્મ ઉપર જીરાનાં વાયદામા  ખેડૂતો અને ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન (એફ.પી.ઓ) એ સક્રિય રહીને કામકાજ કર્યા છે. હવે ઘઉંના ઓપ્શનના સોદામાં રાજકોટ ડિલીવરી સેન્ટર છૈ અને આગામી દિવસોમાં સફેદ તલના શરૂ થનારા વાયદામાં ઉંઝા મુખ્ય તથા રાજકોટ વધારાનું ડિલીવરી સેન્ટર હોવાથી ખેડૂતોને તેમની કષિપેદાશના ભાવનું જોખમ પ્રબંધન કરવા સરળતા રહેશે. 

કોમોડિટીનાં કારોબારની દિશા બદલી શકે તેવી અનોખી પ્રોડકટસ માર્કેટ સમક્ષ લાવવામાં એનસીડેકસે હંમેશા આગેવાની લીધી છે. ગત ૨૬ મી મે એ એનસીડેકસે ભારતના સૌ પ્રથમ ટ્રેડ થઇ શકે તેવા એગ્રિકલ્ચર કોમોડિટી ઇન્ડેક્ષ એગ્રિડેકસની શરૂઆત કરી છે. એકસચેન્જના પ્લેટફોર્મ ઉપર ટ્રેડ થતી ૧૦ કોમોડિટીનાં ભાવની વધઘટના આધારે શરૂ કરાયેલા આ ઇન્ડેક્ષને સારો પ્રારંભિક પ્રતિસાદ મળ્યો છે. ત્યારબાદ સ્કાયમેટ સાથે મળીને એનસીડેકસે  હવામાનનો ઇન્ડેક્ષ શરૂ કર્યો છે.

હવે સરસવ, ઘઉં તથા મકાઇ-  ફીડ/ ઇન્ડસ્ટ્રી ગ્રેડ જેવી કોમોડિટીમાં ઓપ્શન ઇન ગુડ્ઝ નાં સોદા શરૂ કરી ને એળ્સચેન્જે નવી પહેલ કરી છે. આ કોમોડિટીઓ સાથે જોડાયેલા ખેડૂતો અને વેપારીઓ સૌને માલની આવકો શરૂ થાય ત્યારે થતી ભાવની મોટી વધ-ઘટ સામે જોખમનું પ્રબંધન કરવામાં આસાની રહેશે એવી એનસીડેકસને આશા છે. ઘઉંનાં ઓપ્શનનાં ધારાધોરણો ઘઉંના વાયદા જેવા જ છે. નવા વાયદા શરૂ થવાનું કેલેન્ડર વાયદાની પાકતી મુદત, તથા ડિલીવરી સેન્ટરો આ ઓપ્શન તથા વાયદાના સોદા માટે સમાન રહેશે.

(11:45 am IST)