Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

પાર્ટી પદ આપે છે તો લઇ પણ શકે છે, મુદ્દા ઉઠાવવા જરૂરી હતા

મને પદની લાલસા નથી પણ હું ઇચ્છું કે જે માન-સન્માન, સ્વાભિમાનની વાત અમે કરતા હતા તે બની રહે : સચિન પાયલટ

જયપુર/નવી દિલ્હી તા. ૧૧ : રાજસ્થાનમાં રાજનીતિક સંકટનો અંત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. પાર્ટીના સૂત્રોના મતે અશોક ગેહલોત અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે સમાધાન થઈ ગયું છે. કોંગ્રેસના સૂત્રોના મતે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજનીતિક સંકટ વચ્ચે સીએમ અશોક ગેહલોત સાથે લગભગ ૨૦ મિનિટ ફોન પર વાત કરી છે. આ વાતચીત સમન્વયના ફોર્મ્યુલાને લઈને થઈ છે.

બીજી તરફ રાહુલ ગાંધી સાથે મુલાકાત પછી સચિન પાયલટે મીડિયા સામે પોતાની વાત રાખી ત્યારે તેવર નરમ જોવા મળ્યા હતા. સચિન પાયલટે કહ્યું કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વિસ્તારથી ચર્ચા કરી. ધારાસભ્યોની વાત પણ તેમની સામે રાખી છે. મને આશ્વત કર્યો કે ત્રણ સભ્યની કમિટી આ બધા મુદ્દાનું સમાધાન કરશે. આ સૈદ્ઘાંતિક મુદ્દા હતા. પાયલટે કહ્યું કે પાર્ટી પદ આપે છે તો લઇ પણ શકે છે. મને પદની લાલસા નથી પણ હું ઇચ્છું કે જે માન-સન્માન, સ્વાભિમાનની વાત અમે કરતા હતા તે બની રહે. જેમની મહેનતથી સરકાર બની છે તે લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે

સોમવારે રાજસ્થાનમાં રાજનીતિક ઘટનાક્રમ ઝડપથી બદલાયો અને સાંજ થતા સચિન પાયલટ કેમ્પના ધારાસભ્ય ભંવરલાલ શર્મા જયપુરમાં મુખ્યમંત્રી આવાસ પર મુલાકાત માટે પહોંચ્યા હતા. આ વાતની પૃષ્ટિ ભંવરલાલના પુત્રએ કરી હતી. સીએમ ગેહલોત સાથે મુલાકાત પછી ભંવરલાલે કહ્યું હતું કે ઘરનો મામલો ઘરમાં પતી ગયો છે. હવે કોઈ ફરિયાદ નથી. મેં પાર્ટી છોડી ન હતી. સચિન પાયલટને કહ્યું કે તે પોતાના વિશે જાતે જ બતાવશે.

સૂત્રોના મતે વિશ્વાસ મત પર સચિન પાયલટ અને તેમના ધારાસભ્યો સરકારના સમર્થનમાં વોટ કરશે. બીજી તરફ સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી ના કરવાનું હાઇકમાન્ડે આશ્વાસન આપ્યું છે. આ સમજુતીની ફાઇનલ ફોર્મ્યુલા પર સોનિયા ગાંધી નિર્ણય કરશે.

(9:55 am IST)