Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

જમ્‍મુ-કાશ્‍મીરની કલમ ૩૭૦ હટાવવાના મામલે વિવાદોની હારમાળા સર્જાતી જ રહે છે: મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પહેલા જવાહરલાલ નહેરૂને અપરાધી ગણાવ્‍યા અને વિવાદ થતા ફેરવી તોળ્યું અને સ્‍પષ્‍ટતા પણ કરી

ભુવનેશ્વર: જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અપરાધી ગણાવ્યાં છે. શનિવારે ઓડિશાના ખોર્ધા જિલ્લામાં ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં પહોંચેલા શિવરાજે કાર્યકરોને કહ્યું કે, 'જવાહરલાલ નહેરુ અપરાધી હતા. જ્યારે ભારતીય સેના કાશ્મીરથી કબાઈલીઓનો પીછો કરી રહી હતી ત્યારે તેમણે યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. જો થોડા વધુ દિવસ યુદ્ધવિરામની જાહેરાત ન થઈ હોત તો આખુ કાશ્મીર આપણું હોત.'

શિવરાજ સિંહ ચૌહાણ અહીં જ ન રોકાયા. તેમણે જવાહરલાલ નહેરુની વધુ એક ભૂલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'તેમની  બીજી ભૂલ એ હતી કે કલમ 370, એક દેશમાં બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન... આ દેશ સાથે ફક્ત અન્યાય જ નહીં પરંતુ આખા દેશ સાથે એક અપરાધ હતો.'

જો કે નિવેદન પર વિવાદ થતા શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટીકરણ કરતા ગણી ગણીને શબ્દો વાપરી પોતાની વાત રજુ કરી. તેમણે કહ્યું કે કહેવામાં કોઈ સંકોચ નથી કે કાશ્મીર સમસ્યાના જનક પંડિત જવાહરલાલ નહેરુ હતાં.

ભાજપના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન-હવે કુંવારા કાર્યકરોના કાશ્મીરની ગોરી છોકરીઓ સાથે કરાવી દઈશું લગ્ન

મુઝફ્ફરનગરના ખતૌલી વિધાનસભાના ધારાસભ્ય વિક્રમ સૈનીએ કાશ્મીરમાંથી કલમ 370 દૂર થવા પર 7 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરની છોકરીઓ સાથે લગ્ન કરવા માટે કાર્યકરો ઉત્સુક છે. તેમણે કહ્યું કે જે કુવારા છે તેમના  લગ્ન કરાવી દઈશું. કોઈ મુશ્કેલી નથી.

(12:46 pm IST)