Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

શ્વાસની તકલીફ બાદ અરૂણ જેટલી એમ્સમાં દાખલ થયા

મોદી સહિતના નેતાઓ હાલચાલ લેવા પહોંચ્યા : નિષ્ણાંતોની ટુકડી દેખરેખમાં અરૂણ જેટલી આઈસીયુમાં

નવી દિલ્હી,તા.૧૦ : લાંબા સમયથી બિમાર ચાલી રહેલા પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીને શ્વાસ લેવાની તકલીફ થયા બાદ ગઈકાલે મોડી રાત્રે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અંગે માહિતી મેળવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ પહોંચ્યા હતા. આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ એઈમ્સમાં તેમની તબિયત અંગે પહોંચી રહ્યા છે. એઈમ્સમાં તેમની તબિયત ઉપર નજર રાખવામાં આવી રહી છે. નિષ્ણાંતોની ટુકડીની નજર હેઠળ તેઓ આઈસીયુમાં છે. જેટલી છેલ્લા બે વર્ષથી બિમાર ચાલી રહ્યા છે. તેઓ સોફ્ટ ટીસ્યુ કેસરથી ગ્રસ્ત છે.

             કિડનીની સંબંધિત તકલીફ બાદ ગયા વર્ષે મે મહિનામાં કીડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવી હતી. કિડનીની તકલીફની સાથે સાથે જેટલી કેન્સરથી પણ ગ્રસ્ત છે. આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા. જેટલી ૨૦૧૮માં ઉત્તર પ્રદેશથી તેઓ રાજ્યસભામાં ગયા હતા. અગાઉની મોદી સરકારમાં તેઓ નાણામંત્રી હતા. ડોક્ટરોએ કહ્યું છે કે તેમની સ્થિતિ હાલ સ્થિર છે. તેઓ પોતાની ઈલાજ માટે ૧૩ જાન્યુઆરીએ ન્યૂયોર્ક ગયા હતા અને ફેબ્રુઆરીમાં પરત ફર્યા હતા. જેટલીએ એપ્રિલ ૨૦૧૮થી ઓફિસ જવાનું બંધ કર્યું હતું. ત્યાર બાદ એઈમ્સમાં સારવાર બાદ તેઓ ઓગસ્ટમાં ફરી ઓફિસ જવા લાગ્યા હતા.

             ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમને પત્ર લખી પોતાની નાદુરસ્ત તબિયતને કારણે મંત્રી નહીં બનાવવા વિનંતી કરી હતી. ૨૦૧૪માં તેઓ અમૃતસર ખાતેથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. તેમના સમયગાળા દરમિયાન નોટબંધી અને જીએસટી જેવા બે મહત્ત્વના નિર્ણય લેવાયા હતા. કિડની પ્રત્યારોપણ પછી જેટલીના ડાબા પગે સોફ્ટ ટિશ્યુ કેન્સરની ગંભીર માંદગી લાગુ પડી હતી. તેની સારવાર માટે આ વર્ષના જાન્યુઆરીમાં તેમણે અમેરિકાની મુલાકાત લીધી હતી. માંદગી અને સારવારના કારણે જ તેમણે એનડીએ સરકારની બીજી ટર્મમાં પ્રધાનમંડળમાં ન જોડાવા અંગે પત્ર લખીને મોદીને વિનંતી કરી હતી. અરૂણ જેટલી વરિષ્ઠ મંત્રીઓની સાથે સાથે ભાજપના ટોચના વ્યૂહ રચનાકાર તરીકે રહ્યા છે. મોદીના સૌથી નજીકના વિશ્વાસુ તરીકે પણ તેમની ભૂમિકા રહી છે. અરૂણ જેટલી અનેક પ્રકારની બિમારીથી ગ્રસ્ત હોવા છતાં સતત સક્રિયા રહ્યા છે.

(12:00 am IST)